Gambhira Bridge News: વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ તૂટવાની ઘટનામાં 20ના મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવાનનો પત્તો હજી પણ નથી. આ દરમિયાન રવિવારે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના આવતા વડોદરા સર્કલના અધિક્ષક ઈજનેરે ગંભીરા બ્રિજ ઉપર તાત્કાલિક દિવાલ બનાવવાની સૂચના આપી દીધી હતી. જેના પગલે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને દિવાલ બનાવવા માટે રાતોરાત વ્યવસ્થા ઉભી કરી હતી.
આ પણ વાંચો: 20 લોકોના મોત બાદ સરકારને ડહાપણ સુઝ્યું, હવે 212 કરોડ રૂ.ના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનશે
મહત્વની વાત એ છે કે રાત્રે દિવાલ તો બનાવી દીધી પરંતુ રાહત અને બચાવ કામગીરી માટે બ્રિજની અંદર કેટલાક વાહનો હતા તે અંદર જ રહી ગયા નીચેના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓને જ ખુશ કરવા માટે કામગીરી કરતા હવે પસ્તાવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સરકારી ખર્ચ પણ માથે પડે તેમ લાગી રહ્યું છે. સરકારે એવો બચાવ કર્યો છે કે બીજા રાજ્યમાંથી આવતા વાહનો જીપીએસ સિસ્ટમથી ચાલતા હોવાથી આ માર્ગે ના આવી જાય તે માટે દિવાલ બનાવી છે.
તો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે મુજપુર ચાર રસ્તા પાસે અનેક બોર્ડ સાવચેતીના મૂકવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ પોલીસ ચોકી પણ ત્યાં ઉભી કરાઈ છે જેથી કોઈ ખાનગી વાહનો અંદર ના જઈ શકે આટલી વ્યવસ્થા શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગે છે.