UP Panchayat Election 2025: ઉત્તરપ્રદેશમાં ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે, અને આ સમયે ભાજપની સહયોગી પાર્ટી રાષ્ટ્રીય લોકદલ (RLD)ના આ નિર્ણયથી ભાજપના શિબિરમાં ખળભળાટ મચી ગયો છે. આ જાહેરાત બાદ ભાજપનું નેતૃત્વ હવે RLDના પ્રમુખ જયંત ચૌધરી સાથે વાતચીત કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, રાલોદને પોતાના કાર્યકર્તાઓના જોરે જીતનો પૂરો વિશ્વાસ છે.
પ્રાદેશિક સ્તરે રણનીતિ નક્કી, મતદાર યાદી સુધારવાનું કામ તેજ
ભાજપે પંચાયત ચૂંટણી માટે જિલ્લા અને પ્રાદેશિક સ્તરે સંયોજક અને સહ-સંયોજકોની નિમણૂક કરીને પોતાની રણનીતિ ઘડી કાઢી છે. આ સાથે, મતદાર યાદી સુધારવાનું કામ પણ વેગવંતુ બનાવવામાં આવ્યું છે. પાર્ટીનો મુખ્ય લક્ષ્ય મોટાભાગના જિલ્લા પંચાયત પ્રમુખ અને બ્લોક પ્રમુખ પદો પર ફરી વિજય મેળવવાનો છે, જેના માટે RLD સાથે ગઠબંધન માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
સંગઠન મજબૂત થશે તો વિધાનસભા ચૂંટણીમાં સફળતા સરળ થશે: ડૉ. કુલદીપ ઉજ્જવલ
RLD પંચાયત ચૂંટણી સમિતિના પ્રદેશ સંયોજક ડૉ. કુલદીપ ઉજ્જવલે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારી પાર્ટી સ્થાનિક સ્તરે પોતાના દમ પર ચૂંટણી લડશે. પંચાયત ચૂંટણી વિધાનસભા ચૂંટણીનો આધાર હોય છે અને જો પંચાયત સ્તરે સંગઠન મજબૂત હશે, તો વિધાનસભા ચૂંટણીમાં સફળતા સરળ બનશે.’
આ પણ વાંચો: ‘સ્પીકર અમારા કપડાં પર નજર રાખે છે’, રાજસ્થાનમાં કોંગ્રેસની મહિલા ધારાસભ્યોના આક્ષેપ બાદ ઘમસાણ
ગઠબંધન પર હજી અંતિમ નિર્ણય નથી: સત્યેન્દ્ર સિસોદિયા
ભાજપના પ્રાદેશિક અધ્યક્ષ સત્યેન્દ્ર સિસોદિયાનું કહેવું છે કે, ‘ગઠબંધન પર હજી અંતિમ નિર્ણય થયો નથી. ટોચનું નેતૃત્વ રાલોદના અધ્યક્ષ જયંત ચૌધરી સાથે વાતચીત કરીને નિર્ણય લેશે.’
રાલોદનું આ વલણ ભાજપ માટે મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી કરી રહ્યું છે. હવે સૌની નજર એ વાત પર છે કે આગામી દિવસોમાં બંને પક્ષો વચ્ચેની વાતચીત કઈ દિશામાં જાય છે.