આરોપોને કારણે કલકત્તા હાઇકોર્ટ ટ્રાન્સફર કરાયાનો દાવો
વકીલોના ત્રણ સંગઠનોએ જજ શર્માની કોર્ટમાં સુનાવણીમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટના જજ રહેલા દિનેશ કુમાર શર્માનું કલકત્તા હાઇકોર્ટમાં ટ્રાન્સફર થતા વિવાદ થયો છે. આ ટ્રાન્સફર સામે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યા બાદ હવે વકીલોના ત્રણ સંગઠનોએ નિર્ણય લીધો છે કે જસ્ટિસ શર્માની કોર્ટમાં સુનાવણીમાં સામેલ નહીં થાય. વકીલોનો દાવો છે કે કેટલાક આરોપોને કારણે જજ શર્માનું દિલ્હીથી બંગાળમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણના આધારે દિલ્હી હાઇકોર્ટથી કલકત્તા હાઇકોર્ટની જસ્ટિસ શર્માના ટ્રાન્સફરની ભલામણને સ્વીકારી લીધી હતી. જે બાદ આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. કલકત્તા હાઇકોર્ટના ત્રણ વકીલ સંગઠનોએ જસ્ટિસ શર્માની સુનાવણીમાં હાજર નહીં થવાનો નિર્ણય લીધો છે. આ પહેલા વકીલોએ મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને પત્ર લખીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જે વકીલોનું સંગઠન વિરોધ કરી રહ્યું છે તેમાં ઇનકોર્પોરેટેડ લો સોસાયટી ઓફ કલકત્તા, બાર એસોસિએશન ઓફ હાઇકોર્ટ અને બાર લાઇબ્રેરી ક્લબ હાઇકોર્ટે મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને લખેલા પત્રમાં પોતાનો નિર્ણય બદલવાની વિનંતી કરી હતી. સાથે જ દાવો કર્યો હતો કે અમારી પાસે એવી માહિતી છે કે આ ટ્રાન્સફર કેટલાક આરોપોને કારણે કરવામાં આવી છે. આ આરોપો જજના કામ કરવાના વલણ સાથે જોડાયેલા છે. આ પહેલા દિલ્હી હાઇકોર્ટમાંથી જસ્ટિસ યશવંત વર્માની ઘરેથી કેશ મળ્યા બાદ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરાઇ હતી જેનો પણ અલ્લાહાબાદ બાર એસોસિએશને વિરોધ કર્યો હતો ત્યારે હવે દિલ્હી હાઇકોર્ટથી કલકત્તા હાઇકોર્ટમાં ટ્રાન્સફરને લઇને વધુ એક જજ મુદ્દે વકીલો દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે.