ઉત્તર પ્રદેશના મજૂરો કરોડોની નોટિસ જોઇને આઘાતમાં
મજૂરોની જાણ બહાર તેમના પાન-આધાર કાર્ડનો ઉપયોગ કંપનીઓ દ્વારા થઇ રહ્યાનું ખુલ્યું, પોલીસે તપાસ હાથ ધરી
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશમાં મહિને માત્ર 15 હજાર રૂપિયાનો પગાર મેળવનારા સેનિટેશન વર્કરને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ૩૩.૮૮ કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે એક વર્કર તો માત્ર ૮૫૦૦ જ કમાય છે તેને પણ ૩.૮૭ કરોડ રૂપિયાની નોટિસ અને ત્રીજાને ૭.૭૯ કરોડની નોટિસ મોકલવામાં આવી હતી, જેને પગલે આ મજૂરો આશ્ચર્યમાં મુકાયા હતા અને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
૩૪ વર્ષીય કરણ કુમારને આઇટી વિભાગ દ્વારા ૩૩.૮૮ કરોડ રૂપિયાની નોટિસ મળ્યા બાદ તેણે વકીલનો સંપર્ક કર્યો હતો, તેના વકીલે કરણને જણાવ્યું હતું કે કરણના આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ એક કંપની દ્વારા કરવામાં આવ્યો છે કે જે દિલ્હીમાં પેટ્રોલિયમ ઉત્પાદકો અને સ્ટીલ ગૂડ્સના લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરણના નામે કરી ચુકી છે. આ કંપનીનું નામ મહાવીર એન્ટરપ્રાઇઝ છે. કરણે જણાવ્યું હતું કે મે નોટિસ મળ્યા બાદ આઇટીના અધિકારીઓની મુલાકાત લીધી હતી તો તેમણે મને એફઆઇઆર દાખલ કરવાની સલાહ આપી હતી. કરણ એસબીઆઇની ખૈર બ્રાન્ચમાં કોન્ટ્રાક્ટ આધારિત વર્કર છે. તેણે બાદમાં આ મામલે પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી તેથી પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
તેવી જ રીતે મોહિત કુમાર નામના એક સામાન્ય મજૂરને પણ ૩.૮૭ કરોડ રૂપિયાની આઇટીની નોટિસ મળી હતી, તેથી બાદમાં તેણે જીએસટી વકીલનો સંપર્ક કર્યો હતો, વકીલે મોહિત કુમારને જણાવ્યું હતું કે એમકે ટ્રેડર્સ નામની કંપની દ્વારા અમિતના આધાર કાર્ડનો ઉપયોગ થયો છે. આઇટીના રેકોર્ડ મુજબ એમકે ટ્રેડર્સ કંપની ૨૦૨૦થી બધા ટ્રાન્ઝેક્શન કરી રહી હતી. મોહિતે મીડિયાને જણાવ્યું હતું કે હું મહિને માત્ર ૮,૫૦૦ રૂપિયા કમાઉ છું જેનાથી મારા વૃદ્ધ માતા પિતાનું ભરણપોષણ કરું છું. આ નોટિસ મળ્યા બાદ હું બહુ જ ચિંતામાં મુકાયો છું. મે નોટિસ મોકલનારા આઇટીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો જોકે કોઇએ મને જવાબ ના આપ્યો. અમિતે જણાવ્યું હતું કે મારા દસ્તાવેજો આ લોકોની પાસે કેવી રીતે પહોંચ્યા? મે દિલ્હીમાં એક નોકરી માટે મારા દસ્તાવેજો આપ્યા હતા, આ પહેલા એક જ્યૂસ વેચીને રોજના ૫૦૦ રૂપિયા કમાનારા રઇસ અહમદને ૭.૭૯ કરોડની નોટિસ મળી હતી. પ્રયાગરાજના આઇટી સાથે સંકળાયેલા એક વરીષ્ઠ વકીલે કહ્યું હતું કે ડિજિટલ આઇડેન્ટીટી સિસ્ટમનો દુરુપયોગ કરીને મોટા પાયે ડિજિટલ ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે જે ચિંતાજનક છે.