Kheda News : ખેડા જિલ્લાના માતરના નાની ભાગોળમાં ગરબાને લઈને લગાવેલા બોર્ડથી વિવાદ સર્જાયો છે. ધાર્મિક સ્થળ પાસે ‘ગરબા ગાવા અને વગાડવાની સખત મનાઈ’ હોવાનું બોર્ડ લગાવાતા વિવાદ ઊભો થયો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આગામી 22 સપ્ટેમ્બર, 2025થી નવરાત્રિ શરુ થાય છે, ત્યારે શહેર અને ગામડાંઓના વિસ્તારોમાં સ્પીકર કે ડી.જે. દ્વારા ગરબા રમાતા હોય છે. તેવામાં ખેડાના માતરમાં વિવાદિત ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ખેડાના માતરના નાની ભાગોળ, હુસેની ચોકમાં આવેલા કબ્રસ્તાન પાસે એક બોર્ડ લગાવામાં આવ્યું હતું. જેમાં જાહેર સૂચના તરીકે લખેલું હતું કે, ‘નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે.’
આ પણ વાંચો: રાજકોટના સોની બજારમાં રૂ.1 કરોડનું સોનું લઈને કારીગર રફુચક્કર, 3 મહિના પછી ફરિયાદ
સમગ્ર મામલે સ્થાનિકોને જાણ થતાં માતર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે બોર્ડને હટાવવાના આદેશ કરતાં બોર્ડ પર કલર કરીને હટાવામાં આવ્યું હતું. વિવાદિત બોર્ડ લગાવવા મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.