અમદાવાદ, મંગળવાર
દરિયાપુરમાં મોટા વાઘજીપુરા ખાતે આવેલા મનપસંદ જીમખાનામાં જુગાર રમતા ફરી વખત લોકો પકડાતા જુગારધામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગઇકાલે બપોરે ભાગીદાર લોકો ત્યાં જુગાર રમતા હોવાની શંકાને લઇને અંદર ઘૂસીને લોકોનો વિડિયો ઉતાર્યા હતો. આ સયયે ભાગીદાર સાથે ત્યાંનો મૂળ માલિકે તેના સાગરિત સાથે મળીને તકરાર કરીને મારા મારી કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે બનાવ અંગે દરિયાપુર પોલીસે ગોવિંદભાઇ ઉર્ફે ગામા પટેલ સહિત બે શખ્સો સામે ગુનો નોંધીને વિડિયો આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જીખાનામાં ઘૂસીને ૩૩ ટકા ભાગીદાર હોવાનો દાવો કરીને અહિયાં પત્તા કેમ રમો છો કહીને હંગામા મચાવ્યો ઃ આરોપીઓએ રોકીને યુવક ઉપર હુમલો કર્યો
દરિયાપુરમાં વાડીગામ ખાતે રહેતા યુવકે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મોટા વાઘજીપુરા ખાતે રહેતા ગોવિંદભાઇ તથા રાહીલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મોટા વાઘજીપુરામાં આવેલા મનપસંદ જીમખાના બિલ્ડિંગમાં તે પોતે ૩૩ ટકા ભાગીદારી ધરાવે છે. ગઇકાલે બપોરે ૩ વાગ્યે મનપસંદ જીમખાના ખાતે ફરિયાદી યુવક આવી પહોંચ્યો ત્યારે ગેટ બંધ હતો અને તેમાં ફેસ આઇડી લોક હતું જેથી લોક ખુલતુ ન હતુ. જો કે, ત્યાં જુગાર રમતો હોવાની આશંકા હોવાને કારણે પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કર્યો હતો. દરમિયાન કોઇએ દરવાજો ખોલી દીધો જેથી યુવક વિડિયો ઉતારતો ઉતારતો અંદર ગયો હતો. જ્યાં ત્રણ માળ સુધી લોકો જુગાર રમી રહ્યા હતા.
વિડિયો ઉતારતો જોતાની સાથે લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જેથી તેમની સાથે યુવક પણ નીચે ઉતરવા લાગ્યો હતો. ત્યારે મેઇન ગેટ પાસે ગોવિંદભાઇ ઉર્ફે ગામો પટેલ આવી ગયો હતો અને કહ્યુંં કે, કોઇ નીચે ઉતરવાનું નથી. જો કે, તમામ વ્યક્તિઓ ત્યાંથી નિકળી ગયા હતા. ત્યારે ગામાએ જણાવ્યું હતું કે, તુ બહાર નિકળ તેથી યુવકે જણાવ્યું હતું કે, હું પણ મિલ્કતમાં ૩૩ ટકાનો હિસ્સેદાર છું તેથી તેણે પુરાવા માગતા યુવક ફોનમાં પુરાવા બતાવ્યા હતા. દરમિયાન આરોપીએ કમ્મરના ભાગેથી યુવકનું પેંટ ખેંચી ગાળો આપી હતી અને માર માર્યો હતો. ત્યારે ત્યાં કામ કરતો રાહીલ પણ ત્યાં આવ્યો હતો અને તેણે પણ ઝપાઝપી કરી મારા મારી કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કર્યો હતો અને ત્યાંથી નિકળ્યો હતો. ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે, હવે અહીંયા આવીશ તો તને જાનથી મારી નાંખીશું.