– કમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ, કોચિંગમાં ફાયર એનઓસીની તપાસ
– વિધી, પંચવટી અને સ્વસ્તિક વાટિકા પાસે પાર્ટીપ્લોટ અને સિદ્વ ઇન્સ્ટિટયૂટને ફાયર વિભાગે સીલ કર્યું : ઝૂંબેશ યથાવત્ રહેશે
આણંદ : આણંદ શહેરમાં કોંચિગ કલાસ્સિસ, કમર્શિયલ કોમ્પલેક્સ, પાર્ટી પ્લોટમાં મનપાની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૩ પાર્ટી પ્લોટ અને એક ટયુશન કલાસિસમાં ફાયર એનઓસી નહીં હોવાથી સીલ કરાયા છે.
આણંદ મહાનગર પાલિકાએ ટયુશન કલાસિસ, કોચિંગ કલાસિસ, કમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટમાં ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરી હતી. આણંદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમોએ આજે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં વઘાસી રોડ પર આવેલા વિધી પાર્ટી પ્લોટ, ગણેશ ચોકડી પાસેના પંચવટી પાર્ટી પ્લોટ અને સ્વસ્તિક વાટિકા ખાતે ફાયર એનઓસી ન હોવાથી તાત્કાલિક અસરથી પાર્ટી પ્લોટને સીલ કરી દેવાયો હતો.
આ ઉપરાંત આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા સિદ્વ ઇન્સિટટયૂટમાં ખાનગી ટયુશન કલાસિસમાં ચકાસણી કરવામાં આવી હતી અને જેમાં ફાયર એનઓસી નહીં હોવાથી મહાપાલિકાની ટીમે સિદ્વ ઇન્સિટટયૂટને સીલ કરી દીધું છે.
મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.
જેમાં કોચિંગ કલાસિસ, પાર્ટી પ્લોટક કે કમર્શિયલ કોમ્પલેક્સમાં ફાયર એનઓસી નહીં હોય તો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે.