અમદાવાદ : અમેરિકાના ઊંચા ટેરિફથી ભારતના રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિત માહોલ જોવા મળ્યો છે. વિતેલા ઓગસ્ટ માસમાં સોનાના ઝવેરાતની કુલ નિકાસમાં ૬૩ ટકાનો વધારો થયો છે. રત્નો અને ઝવેરાતની કુલ નિકાસમાં ૫ ટકાની વૃદ્ધિ થઈ છે.કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ૬%નો ઘટાડો જ્યારે રફ હીરાની આયાતમાં ૩% નો વધારો થયો છે.
ગોલ્ડ જ્વેલરી નિકાસ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા ડેટા મુજબ, ઓગસ્ટ ૨૦૨૫માં રત્નો અને ઝવેરાતની કુલ નિકાસ ૨૧૧૭.૦૫ મિલિયન ડોલર (રૂ. ૧૮૫૨૯.૦૮ કરોડ)ની થઈ છે, જે ડોલરની સરખામણીમાં ૫.૧૨% અને રૂપિયા ટર્મમાં ૯.૬૭%ની વૃદ્ધિ દર્શાવે છે. વૃદ્ધિનું કારણ ભારતીય નિકાસકારો દ્વારા ટેરિફ ધમકીની અસર ઘટાડવા માટે ઉતાવળ છે. ભારત-યુએઈ સીઈપીએ જેવા મુક્ત વેપાર કરાર (એફટીએ) અને કાચા માલ માટે આયાત પર ઘટાડેલી ડયુટી સહિત અન્ય સકારાત્મક પરિબળોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.
બીજી બાજુ, ઓગસ્ટ ૨૦૨૫માં રત્નો અને ઝવેરાતની કુલ આયાત ૧૪૭૧.૮૫ મિલિયન યુએસ ડોલર (રૂ. ૧૨૮૮૭.૧૮ કરોડ) થઈ છે, જે પાછલા વર્ષના સમાન સમયની તુલનામાં ૦.૭૭%ની વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો નજીવો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગામી તહેવારોની મોસમ તેમજ સ્થાનિક તહેવારોની માંગ માટે ઉત્પાદનને ટેકો આપવા માટે દેશમાં કાચા અને અર્ધ-તૈયાર ઉત્પાદનોની સતત માંગને પ્રતિબિંબિત કરે છે.
એપ્રિલ ૨૦૨૫ – ઓગસ્ટ ૨૦૨૫માં રફ હીરાની કુલ આયાત ૫૧૪૨.૫૫ મિલિયન ડોલર (રૂ. ૪૪૨૦૫.૬૪ કરોડ) થઈ છે, જે પાછલા વર્ષના ૪૯૮૪.૧૫ મિલિયન ડોલર (રૂ. ૪૧૬૧૬.૦૪ કરોડ)ની આયાતની તુલનામાં ૩.૧૮%ની વૃદ્ધિ દર્શાવે છે.
ઓગસ્ટમાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ ૯૭૨.૨૯ મિલિયન યુએસ ડોલર (રૂ. ૮૫૦૮.૬૬ કરોડ) થઈ છે જે પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૬.૨૯%નો ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટ ૨૦૨૫ના મહિનામાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ આયાત ૧૧૨.૭૦ મિલિયન યુએસ ડોલર (રૂ. ૯૮૬.૧૮ કરોડ)ની થઈ છે જે પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૩.૬૫%નો ઘટાડો દર્શાવે છે.
ઓગસ્ટ ૨૦૨૫ના મહિનામાં સાદા સોનાના ઝવેરાતની કુલ નિકાસ ૪૧૯.૫૧ મિલિયન યુએસ ડોલર (રૂ. ૩૬૭૨.૭૭ કરોડ)ની થઈ છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૬૩.૨૪ની વૃદ્ધિ દર્શાવે છે.
આ સમયગાળા માટે પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડ્સની કામચલાઉ કુલ નિકાસ ૯૭.૮૦ મિલિયન યુએસ ડોલર (રૂ. ૮૫૫.૬૭ કરોડ)ની થઈ છે, જે પાછલા વર્ષના તુલનાત્મક આંકડા કરતાં ૨.૨૯%નો ઘટાડો દર્શાવે છે.