અમદાવાદ : જીએસટી કાઉન્સિલે તાજેતરમાં બુક્સ અને નોટબુક્સ પરના જીએસટી દર ઘટાડી શૂન્ય કરેલ છે, પણ પેપર અને પેપર બોર્ડ પરના જીએસટી દર વધારી ૧૮ ટકા કરેલ છે. આ મીસમેચના કારણે ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રક્ચરની સમસ્યા સર્જાઈ છે. આથી કોસ્ટ વધી જવાની અને કાયદાના પાલનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. આથી નોટબુકોના છૂટક ભાવો ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા છે.
ધી એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ અસોસિયેશન (મહારાષ્ટ્ર)ના સુત્રોએ જણાવ્યું હતું કે બુક્સને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે પણ સંબંધીત ઉત્પાદનો જેવાં કે ડાયરી, મેમો પેડ, રજિસ્ટર્ડ કરપાત્ર છે. આથી મીક્સ સપ્લાયના કેસમાં આઈટીસી ટ્રીટમેન્ટ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.
બોર્ડ પર ૧૮ ટકા જીએસટી છે જ્યારે પ્રિન્ટિંગ પર પાંચ ટકા જીએસટી છે. લેમિનેશન, ગમ અને શાહી, ટાર મટીરિયલ જેવા કન્ઝયુમેબલ્સ પર પણ જીએસટી લાગે છે, આથી બુક-નોટબુક્સના ઉત્પાદનમાં આ વપરાય ત્યારે ઈનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી) બ્લોક થઈ જશે.
એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશને જીએસટી દરના રેશનલાઈઝેશનની માગણી કરી છે. તેમણે પેપર અને બુક્સ માટે યુનિફૉર્મ પાંચ ટકા સ્લેબમાં જીએસટી રાખવાની માગણી કરી છે કે જેથી આઈટીસીની સમસ્યા ઊભી ન થાય, કોસ્ટ વધારો ટાળી શકાય, માગ જળવાય અને આમજનતાને શૈક્ષણિક સાધનો સ્થિર ભાવે મળી શકે.
ધી ઓફસેટ પ્રિન્ટર્સ અસોસિયેશને જણાવ્યું છે કે પેપરના જીએસટી વધવાથી ૩૦ ટકા એકમો બંધ પડી જવાની શક્યતા છે, આથી ૨૦ કરોડ વિદ્યાર્થીઓ માટે ટેક્સ્ટ બુકના ભાવો વધી જશે.