સંસદીય સમિતીને વિદેશ મંત્રાલયે આંકડા સોંપ્યા
2023થી આ વર્ષે ફેબુ્રઆરી સુધીમાં માત્ર આઠ જ ભારતીયોને પરત લવાયા, સાઉદીમાં સૌથી વધુ કેદ છે
નવી દિલ્હી: 86 જેટલા દેશોની જેલોમાં 10 હજારથી વધુ ભારતીયો કેદ છે. જ્યારે વર્ષ ૨૦૨૩થી આ વર્ષે ફેબુ્રઆરી મહિના સુધીમાં માત્ર આઠ જ ભારતીય કેદીઓને પરત લાવી શકાયા છે. વિદેશી બાબતોના મંત્રાલયની સંસદીય સમિતી દ્વારા આ આંકડા જાહેર કરાયા છે. સાથે જ કહ્યું છે કે વિદેશોમાં કેદ ભારતીયોને પરત લાવવાનો સફળતા દર બહુ જ નીચો છે.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની આગેવાનીમાં ગઠીત સંસદીય સમિતીના રિપોર્ટમાં જણાવાયું છે કે વિદેશી બાબતોના મંત્રાલય પાસેથી પ્રાપ્ત આંકડા મુજબ ભારતમાં જે પણ વિદેશી કેદીઓ કેદ છે તેમને પોતાના દેશમાં પરત મોકલવાના આંકડા પણ મળ્યા છે. જે મુજબ કુલ ૩૧ ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ્ડ પર્સન્સ (ટીએસપી) થયા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ઇજિપ્ત, હોંગકોંગ, ઇરાન, સાઉદી અરેબિયા, સોમાલિયા, શ્રીલંકા, બ્રિટન, યુએઇ વગેરેનો પણ સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૨૩માં ભારતમાં જે પણ ભારતીય કેદીઓને પરત લાવવામાં આવ્યા તેમા ઇરાનથી ત્રણ, કમ્બોડિયાથી એક અને બ્રિટનથી એક કેદીને લવાયો હતો. જ્યારે આ વર્ષે બ્રિટનથી બે ભારતીયોની પરત ટ્રાન્સફર કરાઇ છે, રશિયાથી એક કેદીને લવાયો છે. અન્ય દેશો સાથે પોત-પોતાના કેદીઓને પરત લાવવા મોકલવા માટે દ્વિપક્ષીય કરારો હોવા છતા ભારતીયોને પરત લાવવાનો દર બહુ જ નીચો છે. હાલમાં વિદેશની જેલોમાં અન્ડર ટ્રાયલ કેદીઓ સહિત દસ હજારથી વધુ ભારતીયો કેદ છે.
અગાઉ આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ દસ હજારથી વધુ ભારતીયોમાં સૌથી વધુ ૨૬૩૩ સાઉદીમાં કેદ છે જ્યારે ૨૫૧૮ લાથે યુએઇ બીજા ક્રમે છે. આ ઉપરાંત નેપાળમાં પણ ૧૩૧૭ ભારતીયો કેદ છે.