ગુજરાતમાં રાજકોટ ખાતે આ પ્રકારની પ્રથમ લેબ : પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓની તપાસના CCTV ફૂટેજ વાયરલ થવાના કેસમાં આરોપીઓની ઓળખમાં આ લેબ મદદરૂપ બની હતી
રાજકોટ, : રાજકોટમાં ત્રણ મહિના પહેલાં શરૂ કરાયેલી સાયબર સેન્ટીનલ્સ લેબ અત્યાર સુધીમાં ૩૦ ગુના અને અરજીની તપાસમાં મદદરૂપ થઈ ચૂકી છે. રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓની તપાસના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા, જેના કારણે રાજ્યભરમાં ઉહાપોહ મચી ગયો હતો. આ કેસના આરોપીઓની ઓળખમાં પણ સાયબર સેન્ટીનલ્સ લેબની મુખ્ય ભૂમિકા રહી હતી.
આ પ્રકારની સાયબર લેબ આખા રાજયમાં એકમાત્ર રાજકોટમાં છે. આશ્ચર્યની વાત એ છે કે આ સાયબર લેબ સરકારી ખર્ચે નહીં પરંતુ દાતાઓની મદદથી ઉભી કરવામાં આવી છે. જેના ચેરમેન તરીકે પોલીસ કમિશ્નર છે. જયારે સભ્યોમાં પોલીસ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ છે.
આ સાયબર લેબમાં મુખ્યત્વે રીસર્ચ એન્ડ એનાલિસીસ, ઈન્વેસ્ટીગેશન અને ટ્રેઈનિંગ એમ ત્રણ વિભાગો છે. જેમાંથી રીસર્ચ એન્ડ એનાલિસીસ વિભાગમાં સાયબર ક્રાઈમના, ફ્રોડના કેસમાં તપાસ ઝડપી અને સુચારૂ બને તે માટે સતત રીસર્ચ કરવામાં આવે છે. આ માટે નવી પધ્ધતિઓ, નવી એપ, નવા સોફટવેર અને નવા પોર્ટલ પણ વિકસાવવામાં આવે છે.
જયારે બીજો ઈન્વેસ્ટીગેશન વિભાગ સાયબર ક્રાઈમના કેસોની તપાસમાં મદદરૂપ બને છે. જયારે ત્રીજા ટ્રેઈનિંગ વિભાગમાં શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કઈ રીતે સાયબર ફ્રોડ અને ક્રાઈમના ગુનાઓ અટકાવવા તે માટેની તાલીમ આપવામાં આવે છે. આ સાયબર લેબમાં હાલ બે વાયરલેસ પીઆઈ, ત્રણ વાયરલેસ પીએસઆઈ, 10 માણસો અને ત્રણ સાયબર એક્ષપર્ટ ફરજ બજાવી રહ્યા છે. સોશિયલ મીડીયાનો ઉપયોગ કરી થતાં ગુનાઓમાં પણ આ સાયબર લેબ ખુબ જ મદદરૂપ બની રહી છે. ખાસ કરીને ઈમેજ મોર્ફીંગ કરી, ફેક ઈમેજ બનાવી કોઈને બ્લેકમેઈલિંગ કરવાના કિસ્સાઓમાં આસાનીથી આ સાયબર લેબની મદદથી આરોપીઓની ઓળખ મેળવી શકાય છે.