Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદમાં રાહત જોવા મળી હતી. જોકે, આજે (17 સપ્ટેમ્બર) મેઘરાજાનું ફરી આગમન થયું છે. એવામાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. જેમાં 17 થી 20 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે. ચાલો જાણીએ નવરાત્રિ પહેલા કેવો રહેશે વરસાદ.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી ચાર દિવસ એટલે કે, નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઇંચ, ખેલૈયા અને આયોજકોની હાર્ટ બિટ વધી
ક્યાં વરસશે વરસાદ?
રાજ્યમાં બુધવાર (17 સપ્ટેમ્બર), ગુરૂવાર (18 સપ્ટેમ્બર), શુક્રવાર (19 સપ્ટેમ્બર) અને શનિવાર (20 સપ્ટેમ્બર) 29 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે મુજબ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી, ખેડા, વડોદરા, વલસાડ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં આવનારા ચાર દિવસમાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
વહેલી સવારથી વરસાદ
નોંધનીય છે કે, બુધવારે (17 સપ્ટેમ્બર) વહેલી સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. આ વરસાદે નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે.
આ પણ વાંચોઃ નર્મદા મૈયા બ્રિજ ઉપર બે ટુ-વ્હીલર ભટકાતા માર્ગ ઉપર દારૂની પોટલીઓની રેલમછેલ
વલસાડમાં અઢી ઇંચ, તાપી અને સુરતમાં પણ ધોધમાર વરસાદ
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. શહેરમાં માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.