– વસોના નવાગામ સીમમાંથી વિસ્તારમાં
– કાંસની સફાઈ ન થતા 15 હજાર મણ ડાંગરના પાકમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની
નડિયાદ : વસો તાલુકાના નવાગામ સીમમાંથી વરસાદી પાણી નિકાલની કાંસ પસાર થાય છે. ત્યારે બારૈયાની તલાવડીથી રૂણ ગામની તલાવડી વચ્ચેના કાંસની યોગ્ય સફાઈ ના થતા આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ૩૦૦ વિઘા જેટલી જમીનમાં ડાંગરના પાક બોરાણમાં જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.
વસો તાલુકાના નવાગામ રૂણ ગામની સીમમાંથી વરસાદી પાણી નિકાલની કાંસ પસાર થાય છે. સરકાર દ્વારા દર વર્ષે કાંસની સાફ-સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવાગામના બારૈયાની તલાવડીથી રૂણ ગામની તલાવડી વચ્ચેના કાંસની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કાંસની સાફ-સફાઈ કરવામાં વેઠ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. યોગ્ય રીતે સાફ-સફાઈ ના થતાં ૩૦૦ વીઘા જેટલા ખેતરોમાં ૧૫,૦૦૦ મણ ડાંગરના પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની હાલત દયનીય બની છે. ડાંગરનો પાક બોરાણમાં જતા નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
કાંસના પાણી અવરોધતું નહેરનું નવું ગરનાળું બનાવવામાં આવશેઃ કાંસ વિભાગના અધિકારી
કાંસ વિભાગના અધિકારી ઉર્વીશકુમાર છાસટિયાએ જણાવ્યું હતું કે, વસો તાલુકાના નવાગામ બારૈયાની તલાવડીથી રૂણ તરફના કાંસની સાફ-સફાઈ કરવામાં આવી છે. પરંતુ નહેરના ગરનાળાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાય છે. આગામી સમયમાં નહેરની કામગીરી દરમિયાન નવું ગરનાળું બનાવવાનું આયોજન છે. જેથી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવશે.