US Tariff : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટેરિફ યુદ્ધવિરામ વધુ સમય માટે લંબાવ્યો છે, પરંતુ ભારત સામે આકરું વલણ જારી રાખ્યું છે. રશિયન ક્રૂડની આયાતને લઈને ટ્રમ્પે ભારત પર ટેરિફ અને દંડ પણ લગાવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, અમેરિકાના બે મુખ્ય વેપારી ભાગીદાર એવા ચીન અને ભારત પૈકી એકને ગોળ અને બીજાને ખોળ એવી વિરુદ્ધ નીતિઓ ટ્રમ્પે શા માટે અપનાવી છે.
ટ્રમ્પે ચીન પર કેટલો ટેરિફ લગાવ્યો છે?
તાજેતરમાં ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરીને અમેરિકા-ચીન વચ્ચે હાલ ચાલતા ટેરિફ વિરામને વધુ 90 દિવસ માટે આગળ ધપાવ્યો છે. અગાઉનો વિરામ 12 ઑગસ્ટની મધરાતે સમાપ્ત થવાનો હતો. જો આ વિરામ ન લંબાવાયો હોત તો ચીની માલ પર હાલ જે 30 % ટેરિફ છે એ વધીને 145% સુધી જવાનો હતો અને તેના જવાબમાં ચીન પણ અમેરિકન માલ પરનો શુલ્ક 10%થી વધારીને 125% સુધી લઈ જવાનું વિચારી રહ્યું હતું.
ચીન સાથે ટેરિફ વિરામ શા માટે લંબાવ્યો?
ટેરિફને મામલે ટ્રમ્પે ઢીલું મૂકતાં ચીન પણ કૂણું પડ્યું છે. અગાઉ પ્રતિબંધિત કરેલી કેટલીક અમેરિકન કંપનીઓ પરના પ્રતિબંધોમાં રાહત આપવાની જાહેરાત ચીને કરી છે. આ પગલાંથી બંને દેશને લાંબા સમયથી ચાલતા વેપાર મતભેદો પર ચર્ચા કરવાનો વધુ સમય મળશે, એવી ગણતરી બંને પક્ષે વ્યક્ત કરાઈ છે. અમેરિકા બંને દેશ વચ્ચેના વેપાર અસંતુલન અને અયોગ્ય વેપાર નીતિઓ સંબંધિત પ્રશ્નો ઉકેલવા માંગે છે. ચીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અમેરિકા દ્વારા લગાવાયેલા ‘અયોગ્ય’ પ્રતિબંધોને દૂર કરવાની વિનંતી કરી છે.
આ પણ વાંચો : ટેરિફથી બ્લેકમેઈલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર
આકરો ટેરિફ અમેરિકા-ચીન બંનેને ભારે પડે
વિશ્લેષકો માને છે કે જો અમેરિકા અને ચીન પરસ્પર 145% અને 125% જેટલા ઊંચા ટેરિફ લાગુ કરી દે તો બંને વચ્ચેનો વેપાર લગભગ ઠપ થઈ જાય અને એની ગંભીર અસરો વૈશ્વિક બજાર પર પડે. તેથી મે મહિનામાં જિનીવામાં થયેલી વાટાઘાટોમાં બંને પક્ષ સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સ્થિરતા લાવવા માટે આ ભારે ટેરિફ પાછા ખેંચવા માટે સહમત થયા છે.
અમેરિકા-ચીને પરસ્પર કેવી શરતો મંજૂર કરી?
એ કરારમાં અમેરિકાએ પેટ્રોકેમિકલ્સ, અદ્યતન કોમ્પ્યુટર ચિપ્સ અને ઇથેન પરના નિકાસ પ્રતિબંધમાં રાહત માંગી હતી અને ચીને અમેરિકન કંપનીઓને ઈલેક્ટ્રિકલ વાહનો માટે જરૂરી એવા દુર્લભ ખનીજો અને ચુંબકો પૂરા પાડવાની તૈયારી બતાવી હતી. બંને વચ્ચે ફેન્ટાનાઇલ ડ્રગની તસ્કરી જેવા અમુક મુદ્દે પણ સમાધાનકારી વલણ અપનાવાયું છે.
ટ્રમ્પ ચીન પ્રત્યે નરમ કેમ પડ્યા?
આધુનિક ઉપકરણો અને વાહનોના નિર્માણમાં અત્યંત જરૂરી એવા દુર્લભ ખનીજો અને ચુંબકોનું વિશ્વમાં સૌથી મોટું નિકાસકાર ચીન છે. એપ્રિલ મહિનામાં ચીને અમેરિકાને એ ખનીજો અને ચુંબકો નિકાસ કરવાના બંધ કરી દીધા હતા, જેના કારણે અમેરિકાના ઓટોમોટિવ સહિતના ઘણા ઉદ્યોગના કામ ખોરવાઈ ગયા હતા. અમેરિકન કંપનીઓએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર સમસ્યાનો ઉકેલ શોધવા માટેનું દબાણ કર્યું હતું, જેથી દુર્લભ ખનીજો અને ચુંબકો વિના અમેરિકાના ઉદ્યોગો અને ટેક ક્ષેત્રો ઠપ ન થઈ જાય. ટ્રમ્પને આ મુદ્દો સમજાતાં તેમણે ધરાર ચીન સામે નરમ પડવું પડ્યું છે.
આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે UNSC બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને, પનામા પર નિયંત્રણ મામલે ભારે વિવાદ
રશિયાને ફટકો મારવા ટ્રમ્પે ભારતને આડેહાથે લીધું
યુક્રેન સાથે ત્રણ વર્ષ કરતાં લાંબા સમયથી ચાલતાં યુદ્ધ છતાં પુતિન થાક્યા નથી. યુદ્ધવિરામની ટ્રમ્પની વિનંતીઓની પણ એમણે પરવા નથી કરી, જેને લીધે ટ્રમ્પ રશિયાના અર્થતંત્રને ફટકો પાડવાની તક શોધતા હતા. ભારત રશિયા પાસેથી મોટા પાયે ખનીજ તેલ ખરીદે છે. તેની આવક રશિયાને મળતી બંધ થાય એ માટે ટ્રમ્પે ભારતનું નાક દબાવવાની પેરવી કરી છે. ભારતીય માલ પર 25% ટેરિફ લગાવી ચૂકેલા ટ્રમ્પે રશિયન ક્રૂડની ખરીદી પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરીને ભારત પર ટેરિફનું કુલ ભારણ 50% કરી નાંખ્યું છે.
ભારત અમેરિકા માટે ચીન જેટલું મહત્ત્વપૂર્ણ નથી
અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર ચીન છે, ભારતનું સ્થાન ચીન જેટલું મહત્ત્વપૂર્ણ નથી. H-1B વિઝા અને આઉટસોર્સિંગના મુદ્દા બાબતે પણ અમેરિકા અને ભારત વચ્ચે વર્ષોથી તણાવ છે. રશિયાના કાચા ખનીજ તેલનું શુદ્ધિકરણ કરીને એને યુરોપ સહિતના અન્ય દેશોમાં નિકાસ કરવામાં ભારત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે અમેરિકાને ખૂંચે છે. આ બધા કારણસર અમેરિકા ભારત સામે આકરું વલણ રાખે છે અને ચીનને સાચવી લે છે.
અલબત્ત, ચીન-અમેરિકા વચ્ચે ‘બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા’ અને ‘સરકારી હસ્તક્ષેપ નીતિઓ’ જેવા ઘણા મુદ્દે હજુ સમજૂતી સધાવાની બાકી છે અને નિષ્ણાતોને લાગે છે કે આ મુદ્દા બંને દેશ વચ્ચેના વેપારમાં ગમે ત્યારે ઉથલપાથલ સર્જી શકે છે.
આ પણ વાંચો : પુતિન-ટ્રમ્પની મુલાકાત પહેલા જ વિવાદ! યુરોપ પણ ખુલીને યુક્રેનના સમર્થનમાં આવ્યું