જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માત વચ્ચે
દસકોઈના વડોદ ગામથી દહેગામના પાલુન્દ્ર ખાતે ધાર્મિક પ્રસંગમાં આવ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના
ગાંધીનગર : જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે દહેગામના બહિયલ પાસે બાઈક ઉપર જઈ રહેલા કાકા ભત્રીજાને અડફેટે લઈ રોંગ
સાઈડમાં ફૂલ ઝડપે આવતો ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બંને ઘાયલોને સારવાર માટે
ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. આ મામલે દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યોે હતો.
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતના બનાવોની સાથે
હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે દહેગામના બહિયલથી
ઘમીજ જતા રોડ ઉપર વધુ એક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જે ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દસકોઈ તાલુકાના વડોદ ગામમાં રહેતા દિનેશભાઈ જીવાજી
સોઢા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,
ગઈકાલે તે અને તેમના કાકા હોથાજી સોમાજી સોઢા બાઈક ઉપર દહેગામ તાલુકાના
પાલુન્દ્રા ખાતે ધામક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને આ પ્રસંગ પૂર્ણ કરી
રાત્રે બાઈક ઉપર ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન બહિયલથી ઘમીજ ગામ તરફ જવાના
માર્ગ ઉપર સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રક ચાલક દ્વારા તેમના બાઇકને અડફેટે
લેવામાં આવ્યું હતું. જે અકસ્માતમાં તે અને તેમના કાકા રોડ ઉપર પટકાયા હતા. આ દરમિયાન પાછળ આવી રહેલા તેમના અન્ય સગા તુરંત
જ ઊભા રહી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઘાયલોને સારવાર માટે દહેગામની
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોથાજી સોઢાને ગંભીર ઈજાઓ હોવાથી ગાંધીનગર
સિવિલ લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં
આવ્યા છે. હાલ અકસ્માતની આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા ટ્રક
ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.