અમદાવાદ, વડોદરા અને નડિયાદથી ST બસો ભાવનગર પહોંચશે : ભાવનગરમાં તા. 20મીએ આયોજિત કાર્યક્રમ સંદર્ભે એસ.ટી. તંત્ર દ્વારા બે દી’સુધી 2500 રૂટમાં કાપ મુકવાથી અનેક મુસાફરો રઝળી પડશે
રાજકોટ, : ભાવનગર ખાતે આગામી તા. 20નાં વડાપ્રધાનની જાહેરસભાના કાર્યક્રમ માટે રાજયના જુદા જુદા એસટી ડિવિઝનોમાંથી 1300 એસટી બસો ભાડે કરવામાં આવી છે. જાહેર સભામાં મેદની ભેગી કરવા માટે ભાડે કરવામાં આવેલી તમામ એસટી બસો તા. 19નાં શુક્રવારે સાંજ સુધીમાં ભાવનગર પહોંચી જશે, ભાવનગર જિલ્લાનાં જુદા જુદા વિસ્તારમાંથી લોકોને જાહેર સભામાં લાવવા અને લઈ જવા માટે અમદાવાદ, વડોદરા, મહેસાણા, નડીઆદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી એસટી બસો ભાવનગર આવશે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગની ભાવનગર સ્થિત ડિવિઝન કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલાં પરીપત્ર અનુસાર તા. 20 સપ્ટે.નાં રોજ ભાવનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તા. 19 અને તા. 20 સપ્ટે. બે દિવસ સુધી 1300 એસ.ટી. બસની ફાળવણી કરવાની સુચના આપવામાં આવી છે. કાર્યક્રમ પુરો થયા બાદ એસટી બસ ભાડાના બિલ અધિકનિવાસી કલેકટર ભાવનગરના નામે બનાવવાનાં રહેશે.
રાજયનાં જુદા જુદા એસટી ડિવિઝનમાંથી જે બસની ફળવણી કરવામાં આવી છે તેની વિગતોના સંદર્ભમાં જણાવાયું છે કે ભાવનગર ડિવિઝન હેઠળના ડેપોમાંથી ભાવનગર, ગઢડા, ગારીયાધાર, મહુવા, બરવાળા, તળાજા, બોટાદ, પાલીતાણા ડેપો મળી કુલ ૧૦૦ એસટી બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે દોડાવાશે. એ જ રીતે સ્થાનિક રૂટમાં કાપ મુકીને અમરેલી ડિવિઝનની 120, રાજકોટની 100, જૂનાગઢ ડિવિઝનની 150 જામનગર ડિવિઝનની 70, અમદાવાદની 100, નડીયાદની 150, મહેસાણાની 150 વડોદરાની 100, ભરૂચની 50, ગોધરાની 60 પાલનપુરની 50 એસટી બસો ફાળવવાની સુચના આપવામાં આવી છે.
ભાવનગર અલંગ સહિત સમગ્ર દેશનાં મહત્વના બંદરોના શિપિંગ મેરિટાઈમ સહિતના જુદા જુદા પ્રકલ્પોના 1.50 લાખ કરોડના એમ.ઓ.યુ. ઘોષિત કરવા માટે આયોજિત સમારોહમાં મેદની ભેગી કરવા માટે સરકારી તંત્ર ઉંધે માથે કામ કરી રહ્યું છે. રાજયના જુદા જુદા એસટી ડિવિઝનમાંથી અંદાજે ૧૩૦૦ જેટલી એસટી બસો બે દિવસ માટે માત્ર ભાવનગરના કાર્યક્રમ માટે રોકાઈ જતાં અંદાજે ૨૫૦૦ જેટલા રૂટમાં એસટી તંત્રે કાપ મુકવો પડશે. જેના કારણે સંખ્યાબંધ મુસાફરોએ કલાકો સુધી એસટી બસ પકડવા હેરાન થવું પડશે.