Pakistan Saudi Signed Defence Pact: પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના તાજેતરના સંરક્ષણ કરાર પર ભારતે પ્રતિક્રિયા આપી છે. આ સમજૂતી મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બીજા દેશ પર પણ હુમલો ગણવામાં આવશે. આ અંગે ભારતે સ્પષ્ટતા કરી છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તૈયાર છે, અને આ કરારની અસરોનો અભ્યાસ કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાને જણાવ્યું કે ભારત સરકાર આ કરાર સંબંધિત સમાચારોથી વાકેફ છે અને તેને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સરકારને આ સમજૂતી વિશે પહેલાંથી જ જાણકારી હતી, જે હવે ઔપચારિક બની છે. તેમણે કહ્યું, ‘અમે આ ઘટનાક્રમથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પર થનારી અસરોનું વિશ્લેષણ કરીશું.’
એક રસપ્રદ બાબત એ છે કે ભારતને આ સમજૂતીની જાણકારી અગાઉથી જ હતી. આ અંગે એવું માનવામાં આવે છે કે આ જાણકારી કાં તો સાઉદી અરેબિયાએ પોતે આપી હતી અથવા કોઈ અન્ય દેશે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ
જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે, ‘ભારત સરકાર પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ કરારના સંભવિત પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે, જેથી ભારતની સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા પર તેની અસરને સમજી શકાય.’
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાનો કરાર શું છે?
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ‘વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતી’ પર વડાપ્રધાન શાહબાઝ શરીફની રિયાદ યાત્રા દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીની ચોક્કસ શરતો અને વ્યાપકતા વિશે હજી સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી.
આ પણ વાંચો: VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય તો તેને બંને દેશો પર હુમલો માનવામાં આવશે. હસ્તાક્ષર સમારોહ પછી જાહેર થયેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આશરે આઠ દાયકાથી ચાલી રહેલી ભાગીદારીને આગળ વધારતા, ભાઈચારા, ઇસ્લામિક એકતા અને સામાન્ય વ્યૂહાત્મક હિતોના બંધનો પર આધારિત બંને પક્ષોએ વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.’