Panchmahal News: પંચમહાલ જિલ્લામાં ગોધરાના તીરઘરવાસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરસીસી રોડના કામ માટે એક આદિવાસી શ્રમિક ગર્ભવતી મહિલા પર અન્ય એક મહિલાએ હુમલો કર્યો હતો. વાત એમ હતી કે, શ્રમિક મહિલા લઘુશંકા માટે ગઈ હતી. એ વખતે શ્રમિક ગર્ભવતી મહિલા પર સ્થાનિક રહેવાસી ટીનાબેન મિસ્ત્રીએ હુમલો કર્યો હતો. ટીનાબેને શ્રમિક મહિલાના ગળામાં ઓઢણી વીંટાળીને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ લીધો હતો.
પીડિત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ
મળતી માહિતી અનુસાર, પીડિત મહિલા ચાર માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ ટીનાબેનને ગર્ભવતી પર હુમલો કરવા બદલ ઠપકો આપ્યો હતો. જો કે, ટીનાબેને આરોપોનો ઈનકાર કર્યો છે. જો કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટીનાબેન શ્રમિક મહિલાને માર મારી રહી છે. કેટલાક લોકોએ એવો પણ આરોપ મૂક્યો છે કે ટીનાબેન અન્ય લોકોને પણ હેરાન કરે છે. પીડિત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.