લોર્ડ લેમિંગ્ટનની સાથે ગીરમાં શિકાર માટે ગયા હતા : પ્રતિબંધ હોવા છતાં ઉપરી અધિકારીને ખાસ કિસ્સામાં સિંહના શિકારની મંજૂરી અપાઈ હતીઃ રાજકોટમાં તેમની કબર મોજૂદ
જૂનાગઢ, : સિંહોની ઘટતી જતી વસ્તીને ધ્યાને રાખી નવાબી શાસનમાં શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ લોર્ડ લેમિંગ્ટન જૂનાગઢ આવતાં તેઓને શિકાર માટે ખાસ કિસ્સામાં પરવાનગી આપવામાં આવી હતી. ત્યારે જે તેમની સાથે ગયા હતા એ એચ.જી. કારનેગી સિંહનો ભોગ બન્યા હતા. તેના મૃતદેહને રાજકોટ લઈ જવાયો હતો, જ્યાં તેની યાદમાં હોસ્પિટલ ચોકમાં કારનેગી ફુવારો બનાવવામાં આવ્યો હતો.
રાજકોટના હોસ્પિટલ ચોકમાં કારનેગી ફુવારો હોય એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે. આ ફુવારાનાં બાંધકામ પાછળ ગીરના સિંહો જોડાયેલા છે. નવાબી શાસન વખતે 12 એપ્રિલ 1880ના સિંહ સહિતનાં વન્યપ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. મંજૂરી વગર શિકાર કરવા પર સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ અંગ્રેજ અધિકારી માટે છટકબારી રાખવામાં આવી હતી. 1905માં લોર્ડ લેમિંગ્ટન જૂનાગઢ આવ્યા હતા. તેઓએ સિંહના શિકારની ઈચ્છા દર્શાવતાં ખાસ કિસ્સામાં દિવાને તેને શિકારની મંજૂરી આપી જરૂરી સગવડતા પણ કરી આપી હતી. લોર્ડ લેમિંગ્ટન સાથે શાહજાદાના ટયૂટર એચ.જી. કારનેગી પણ ગયા હતા. કારનેગીએ સિંહનો શિકાર કર્યો હતો, જ્યારે સિંહે કરેલા હુમલામાં કારનેગીને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. કારનેગીના મૃતદેહને ચિત્રાવડના સુથારે તૈયાર કરેલાં કોફીનમાં રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. શાહજાદાના ટયૂટર કારનેગીની યાદમાં રાજકોટના હોસ્પિટલ ચોકમાં કારનેગી ફુવારો બાંધવામાં આવ્યો હતો. આમ, કારનેગી ફુવારાના બાંધકામ પાછળનો આવો ઇતિહાસ છે પરંતુ નવા રોડ અને બ્રિજ બન્યા બાદ આ સ્થળે ફુવારાને શોધવા જવો પડે એવી હાલત છે.
દરમિયાન, કારનેગીની અન્ય એક યાદગીરી વિશે ફોડ પાડતા જૂનાગઢના ઈતિહાસવિદ્દ પ્રો. પ્રદ્યુમ્ન ખાચર કહે છે કે સિંહનો શિકાર બની ગયેલા કારનેગીને રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ સામેનાં આર.કે.સી. હસ્તકનાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. ત્યાં આજે પણ તેમની કબર છે. તેના પર લખેલું છેઃ હેરી જ્યોર્જ કારનેગી, મેજર ઈન ધ ઈન્ડિયન આર્મી. બોમ્બે પોલિટિકલ ડિપાર્ટમેન્ટ, વ્હુ વોઝ કિલ્ડ બાય એ લાયન ઈન ધ ગીર ફોરેસ્ટ ઓન માર્ચ- 9, 1905.