અત્યારે દીપડા ભગાડવા બંદૂક ફોડી છે : રૂપિયા માંગશો તો તમારી પર ફૂટશે : જેતપુર નજીકના મોણપુર ગામમાં બનેલી ઘટના અંગે ગોંડલ પોલીસમાં છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ 4 શખ્સો સામે ગુનો દાખલ
ગોંડલ : ગોંડલના ખેડૂતે પત્નીના નામનું મકાન વેંચવા જતાં 4 શખ્સોએ લાલચમાં ફસાવી રૂ. 50 લાખ પડાવી લઈ હવામાં ફાયરીંગ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મકાનના સોદા સામે મોણપર ગામની જમીનનો હવાલો નાંખી રૂ. 50 લાખ ખેડૂત પાસેથી પડાવી હવામાં ફાયરીંગ કરનારે ‘અત્યારે દિપડા ભગાડવા ફોડી છે, હવે રૂપિયા પાછા માંગશો તો તમારી પર ફૂટશે’ કહીં ડરાવ્યાં હતાં.
ગોંડલમાં તક્ષશિલા સોસાયટીમાં રહેતા મહેશભાઇ છગનભાઇ કોટડીયાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કરણ ઠૂંગા (રહે. વિરપુર), દિવ્યેશ ભીમસી બારડ (રહે. જૂનાગઢ), પ્રતાપ જીલુ ધાધલ (રહે. મોણપર) અને રૂપેશ નાંઢા (રહે. આમરોલી, સુરત) નું નામ આપતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે છેતરપીંડી, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પત્નીના નામનુ 66 વારનુ મકાન વેચવાનુ હોઇ વેચવા માટેનુ બોર્ડ મારેલ હતું. જે વાંચીને કરણભાઈ નામની વ્યકિત આવી હતી અને વેચાતુ લેવાની ઈચ્છા વ્યકત કરી હતી. તેની સાથે દીવ્યેશ બારડ પણ આવેલ અને કહ્યું કે, મારા પાસે એક પાર્ટી છે, મારી પાસે એક જમીન મોણપર ગામે પ્રતાપ ધાધલની જમીન છે. ત્યા રૂપેશ નાંઢાને કાકરીનો ભરડીયો બનાવવાનો છે તેમજ દીવ્યેશે કહેલ કે, આપણે આ પ્રતાપ મોણપરવાળાની કુલ 25 વીઘા જમીન રૂ.5 કરોડમાં લઇને આપણે આ સામાવાળી પાર્ટીને એક વીઘાના રૂ. 28 લાખમાં આપી દઈશુ, જે જમીનના એક વીઘામાં જે રૂ. 8 લાખ ઉપરના પૈસા મળશે એ તેઓ રાખશે અને તમારા મકાનની રૂ.1.2- કરોડ થાય છે તે હું તમને આપીશ. બાદમાં પ્રતાપએ કહેલ કે, તમારે મને સુથી પેટે રૂ. 2કરોડ આપવા પડે, જેથી ફરીયાદી અને તેનો પુત્ર વચેટીયા તરીકે રહેલ હતાં.
દરમિયાન દીવ્યેશ સાથે વાત કરેલ કે, આ પ્રતાપભાઈ તો બાના પેટે વધારે રકમની વાત કરે છે અને આપણે તો જે રૂ.૨૫ લાખની વાત થયેલ છે, તો તેણે કહેલ તમો અત્યારે રૂ. 2.50લાખ આપી દો અને આ સુરતવાળા રૂપેશભાઈ સાથે વાત કરી લો, જેથી રૂપેશભાઈને વાત કરતા તેણે ગોંડલ ખાતેના નાની બજારમાં આવેલ પીએમ આંગડીયામાં રૂ. 2.50 લાખનુ આંગડીયુ મોકલી વાત કરેલ હતી કે, હું જયારે ગોંડલ આવુ ત્યારે મને સાટાખત કરી આપશો ત્યારે હું તમને બાના પેટે રૂ. 4 કરોડ રોકડા આપીશ તેમ વાત થયેલ હતી.
બાદમાં તેઓએ ગોંડલ જઈ આંગડીયામાંથી રૂપીયા ઉપાડીને પ્રતાપભાઈને આપેલ હતા. જે વહીવટ દરમ્યાન પ્રતાપભાઈની સાથે વાત થયેલ કે, તમને રૂ. 1 કરોડ આપીશુ જયારે તમે નોટરી સાટાખત કરી આપશો અને જેની ત્રણ મહીનાની મુદત રહેશે. તા.27-11-2023 ના તેઓના ઘરે પ્રતાપ ધાધલ, દીવ્યેશ બારડ, કરણ આવેલ અને દીવ્યશે વાત કરેલ કે, તમારૂ પ્રતાપ સાથેનું સાટાખત થઇ જાય પછી તમારે રૂપેશને સાટાખત કરી આપવાનુ છે અને આપણે બન્નેએ એક કલાક રૂ. 1 કરોડ રોકવાના થશે અને જે બાદ આ સુરતવાળા પૈસા આપશે તેમા તમારા મકાનના પૈસા તમને મળી જશે તેમ વાત થયેલ હતી. ગોંડલમાં વકીલની ઓફીસમાં ફરીયાદી તેના પુત્ર તેમજ આરોપીઓ ત્યાં ગયેલ અને ખેડૂતના પત્નીના નામનુ ભોજરાજપરાનુ મકાનની કિંમત રૂ. 1.20કરોડ ગણેલ અને પ્રતાપભાઈને નોટરી સાટાખત કરી આપેલ અને જેમાં પ્રતાપભાઈને કુલ રોકડ રૂ. 50 લાખ તથા દીવ્યેશભાઈએ રોકડ રૂ. 50 લાખ પુરા આપેલ.
બાદમાં તેઓના મકાને દીવ્યેશ તેની સાથે રૂપેશ તથા કરણ આવેલ અને તેઓને કહેલ કે, અમારે આગાઉ વાત થયા મુજબ આ રૂપેશને સાટાખત સાથોસાથ થઇ ગયેલ અને તૈયાર હોઇ જેથી સાટાખત વાંચીને સહી કરી આપો. રૂપેશએ કહેલ કે, મારા રૂપીયા રાજકોટ આંગડીયામાં આવે છે, જે હુ રૂ. 4 કરોડ લઇ બપોરના પરત આવુ છું, જે બાદ ફરીયાદીએ પોતાની રીતે આંગડીયા પેઢીમાં પૈસા બાબતે જાણતા તે ખોટુ હોવાનુ જાણાય આવેલ અને પોતાની સાથે ખોટુ થયેલનુ સામે આવ્યું હતું.
તેમનો પુત્ર મોણપર ગામે પ્રતાપને મળેલ અને કહેલ કે, અમારી સાથે કોઇ રમત થાય છે અને ચીંટીંગ થયેલ છે, અમારે આ સોદો રદ કરવો છે, અમારા રૂ. 50 લાખ પરત આપો જેથી પ્રતાપએ કહેલ કે, પૈસા બૈસા કાઇ નહી મળે અને જે આપણે સાટાખત થયેલ છે તેમ ચાલો અને મને મકાનની ચાવી આપી દો, તેમજ પ્રતાપએ તેની બંદુકમાંથી 6 રાઉન્ડ હવામાં ડરાવવા માટે ફોડેલ અને કહેલું કે, અહીં દીપડા આવે છે જેથી અહીં આવે નહી એટલે ફોડયા અને જો તમે આ પૈસા કે જમીન લેવા આવશો તો આ બંદુક તમારી સગી નહી થાય અને તમારી ઉપર પણ ફુટશે. એ પછી આરોપીએ કોઈ જવાબ ન આપતાં તેઓ સાથે છેતરપિંડી,થયાનું સામે આવતાં ફરીયાદ નોંધાવી હતી.