સરકારી તંત્રમાં લોલંલોલથી ખડકાતા ગેરકાયદે-જોખમી બાંધકામો : રાજકોટમાં ભીષણ આગ લાગી તે જે.કે. કોટેજ ઈન્ડ.માં પ્લાન કે કમ્પલીશન ન્હોતા છતાં રૂડાએ હટાવ્યું નહીં : મનપા-રૂડાના વાંકે આવા સેંકડો બાંધકામો
રાજકોટ, : ફેક્ટરીઓમાં વપરાતા જ્વલનશીલ માલસામાન અને તે ઉપરાંત ઔદ્યોગિક પ્રવૃતિ અને તેમાં પણ અનધિકૃત બાંધકામોને પગલે આગનું જોખમ વધારે રહે છે, રાજકોટમાં ગઈકાલે નવાગામમાં આવેલા કેમીકલના કારખાનાથી માંડીને કે.બી.ઝેડ જેવા તોતિંગ બાંધકામોમાં અતિ વિકરાળ આગ લાગી છે ત્યારે ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ફાયરબ્રિગેડ દ્વારા થતા ફાયર એન.ઓ.સી.ની પ્રક્રિયામાંથી ઈ.૨૦૨૧ના સુધારાથી ફેક્ટરી એક્ટ હેઠળની નાની-મોટી ફેક્ટરીઓને બાકાત રખાઈ છે અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ દ્વારા પણ ફાયર સેફ્ટીની કાર્યવાહી કરવાની જોગવાઈ નથી તો બીજી તરફ ગેરકાયદે બાંધકામો મહાપાલિકા સહિત તંત્રો ન હટાવે તો કોઈ સજાની જોગવાઈ નથી. આમ, બેદરકારીથી આગ કે અન્ય ઘટનામાં કોઈનો જીવ જાય તો આજે પણ જવાબદારીની ફેંકાફેંકી થઈ શકે તેવી અવ્યવસ્થા જારી રહી છે.
રાજકોટમાં ગઈકાલે નવાગામ(આણંદપર)માં રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ જે.કે.કોટેજ ઈન્ડસ્ટ્રીઝનું આખુ બાંધકામ જ પ્લાન-કમ્પલીશન વગરનું ગેરકાયદેસર હતું, તેની ફેક્ટરી એક્ટ હેઠળ નોંધણી ન્હોતી, જી.પી.સી.બી.નું ક્લીયરન્સ ન્હોતું અને ફાયર સેફ્ટી તો લેવાનું જ ન્હોતું તેવું રૂડા,મનપા,ફેક્ટરી વિભાગ સહિત સૂત્રોએ જણાવ્યું છે.અર્થાત્ ટીઆરપી ગેમઝોનથી માંડીને ગઈકાલે ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં હત્યારી આગની ઘટના છતાં પણ હજુ સરકારી તંત્રમાં આ માટે કોઈ સ્પષ્ટ જવાબદારી નક્કી કરાઈ નથી.
રૂડાના સી.ઈ.ઓ., ટી.પી.ઓ. સહિત અધિકારીઓએ જણાવ્યું કે આ કારખાના માટે ઈ.સ.૨૦૦૭માં લેઆઉટ પ્લાન મંજુર કરાવ્યા પછી કોઈ પ્લાન-કમ્પલીશન લેવાયા નથી, ફાયરબ્રિગેડે જણાવ્યું કે આ કારખાનાએ નિયમોનુસાર ફાયર એન.ઓ.સી. લેવાની ન્હોતી અને ઔદ્યોગિક સલામતિ વિભાગે જણાવ્યું કે અમારા નિયમોનુસાર તેની નોંધણી કરવાની હોતી નથી અને ફાયર સેફ્ટી જેવી કામગીરી તો અમારા હસ્તક જ નથી. આમ, સદ્ભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ નથી પણ થઈ હોય તો સીધી જવાબદારી ફીક્સ જ ન થઈ શકે એવી છટકબારીઓ ખુદ સરકારી નિયમોમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર તા.૮ જૂલાઈ ૨૦૨૧ના રાજ્યના શહેરી વિકાસ વિભાગના ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ-૨૦૧૪માં કરાયેલા સુધારામાં જે બિલ્ડીંગોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાની જોગવાઈ છે તેમાં તમામ હેઝારડસ બિલ્ડીંગમાં જે ફેક્ટરી એક્ટ-૧૯૪૮ હેઠળ આવતા ન હોય તેનો જ ઉલ્લેખ છે. અને ફેક્ટરી એક્ટ હેઠળ જે ઓથોરિટી હોય છે તેણે તો કામદારોની સલામતિના દ્રષ્ટિકોણથી કાર્યવાહી કરવાની હોય છે પરંતુ, ફાયર સેફ્ટી સર્ટિ.આપવા સહિતની કાર્યવાહીની જોગવાઈ નથી.
હાઈરાઈઝ,હોટલ, સ્કૂલો,હોસ્પિટલો વગેરે જે બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી.ફરજીયાત છે તે કામગીરી મહાનગરોમાં અને તેના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારમાં જે તે મહાપાલિકાના ફાયરબ્રિગેડની હોય છે, તે સિવાયના ગ્રામ્ય વિસ્તારોમાં આ જવાબદારી માટે રીજીયોનલ ફાયર ઓફિસર નિયુક્ત થતા હોય છે. પરંતુ, રાજકોટ જેવા મહાનગરમાં પણ ફાયર ઓફિસરની જગ્યા પર સક્ષમ અધિકારી જ નિયુક્ત નથી થયા. મહાનગરમાં જ લોલંલોલ હોય ત્યાં ગ્રામ્યની સ્થિતિ કેવી તે સવાલ છે.