તાલાલા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો દરોડો ક્રિકેટ સટ્ટાની લેતી-દેતી સાથે સંકળાયેલા ચાણસ્માના વેપારી અને સટ્ટો રમતા પન્ટરો સહિત 18 શખ્સોના નામ ખૂલતાં શોધખોળ
તાલાલા ગીર, : ગીરનું જંગલ ટુરીઝમ કરતા જુગાર, સટ્ટો અને દારૂ જેવી ગુનાહિત પ્રવૃતિઓ કરતા અસામાજિક તત્વોનું પ્રિય સ્થળ બન્યું હોય તેમ તાલાલા તાલુકામાં થોડા દિવસ પહેલા સાંગોદ્રા ગીર ગામની સીમમાં આવેલા રીસોર્ટમાંથી કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે ૫૫ પતાપ્રેમીઓની જુગાર ક્લબ ઝડપાયા બાદ હવે બોરવાવ ગીર ગામના રીસોર્ટમાં આઈપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડવાનું મસમોટું નેટવર્ક ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી પકડી પાડતાં ભારે ચકચાર ફેલાઈ છે. જેમાં બે બુકીઓને રંગેહાથ ઝડપી લેવાયા છે, જ્યારે મુખ્ય આરોપી ચિરાગ પટેલ કોંગ્રેસ નેતા અને ચાણસ્મા નગરપાલિકાનો કોર્પોરેટર હોવાનું ખુલ્યું છે.
વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે આવેલા લાયન કલબ ફાર્મ એન્ડ રીસોર્ટમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને દરોડો પાડી રીસોર્ટમાં રૂમ ભાડે રાખી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં મુખ્ય આરોપી ચિરાગ ખોડાભાઈ પટેલ તથા વિશાલ કાનુભાઈ પટેલ (રહે.બંને ચાણસ્મા) ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. ફાર્મ હાઉસમાં દરોડા દરમ્યાન રોકડ રકમ રૂ.૪૬ હજાર તથા ૬ મોબાઈલ રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૬૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, ક્રિકેટ સટ્ટામાં ઝડપાયેલો મુખ્ય આરોપી ચિરાગ પટેલ કોંગ્રેસ નેતા તથા ચાણસ્મા નગરપાલિકાનો કોર્પોરેટર છે અને તેનાં એકાઉન્ટમાં રૂ.૧૫ લાખથી વધુની બેલેન્સ હોવાની વિગતો બહાર આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બંને આરોપીઓની પૂછપરછ કરતાં ક્રિકેટ સટ્ટાના પોર્ટલની આઈડી પૂરી પાડનાર અનિલ નારાયણ પટેલ, યોગેશ નારાયણ પટેલ સહિત ૧૮ શખ્સોનાં નામો ખુલ્યા છે. જેથી આ ફરાર આરોપીઓની શોધખોળ કરવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૨૦ આરોપીઓ વિરૂદ્ધ સટ્ટા બેટિંગ અને જુગાર અધિનિયમની કલમો લગાવી પીઆઈઆર.કે. કરમટાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
IPL ચાલુ થવા સાથે અહીં કોર્પોરેટર ચિરાગ આવી ગયો’તો
બોરવાવ ગીર ગામે લાયન ક્લબ ફાર્મમાં ચાણસ્માનો કોંગી કોર્પોરેટર ચિરાગ પટેલ ગત ૨૨મી માર્ચે આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ થવા સાથે જ આવી ગયો હતો અને રૂમ રાખીને ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ગોઠવી નાખ્યું હતું. જે ચાણસ્મા ખાતે જ વેપારી યોગેશ નારાયણ પટેલની કેસર પાન નામની દૂકાને ક્રિકેટ સટ્ટાની દેતી-દેતી કરતો હતો.