વડોદરા,પાણીગેટના માથાભારે બૂટલેગરે ગત મોડીરાતે આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક એક યુવક પર જીપ ચઢાવી દઇ તેને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. બૂટલગેર ત્યાંથી જીપ લઇને ભાગી ગયો હતો. પાણીગેટ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી બૂટલેગરને ઝડપી પાડયો છે.
આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે મારૃતિધામ ગ્રાફિક્સ નામથી ધંધો કરતા હરિશ રમેશભાઇ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા કાકાના દીકરા તરંગ જગદીશભાઇ કહારના પિતાનું ગત ૧૯ મી તારીખે અવસાન થતા હું અને તરંગ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ફરાસખાનાની ગાડીની રાહ જોઇને ઉભા હતા. અમારી નજીક કૃણાલ કહાર તેની જીપના દરવાજા ખુલ્લા રાખી એક યુવતી સાથે બેઠો હતો. મને જોઇને કુણાલ કહાર અભદ્ર ભાષામાં બોલ્યો હતો. મેં તેને જીપમાંથી નીચે ઉતરવાનું કહેતા તે નીચે ઉતરીને મને તથા મારા ભાઇ તરંગને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. આજે તો તને પતાવી દેવાનો છે. તેવું કહીને કુણાલે અમારી સાથે મારામારી કરી હતી. તે દરમિયાન મારો ભાઇ ચાર્મિસ કહાર તથા યશ કહાર આવી જતા તેઓએ વચ્ચે પડીને અમને છોડાવ્યા હતા. હું મારા મોપેડ પર જઇને બેસી ગયો હતો. કુણાલ કહારે જીપ ચાલુ કરી મને મારી નાંખવાના ઇરાદે જીપ મારા પર ચઢાવી દેતા હું ફંગોળાઇને નીચે પટકાયો હતો. ત્યારબાદ તે જીપ રિવર્સ લઇને ત્યાંથી ભાગી ગયો હતો. મને છાતીમાં દુખાવો થતો હોઇ મારા ભાઇ મને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કુણાલ કહારની ધરપકડ કરી જીપ કબજે લીધી છે.
પાણીગેટમાં બૂટલેગરો અને માથાભારે તત્વો બેફામ
પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ હુમલો કરી મારી નાંખવાની ધમકી
વડોદરા,
પાણીગેટ વિસ્તારમાં માથાભારે અને બૂટલેગરોને પોલીસનો કોઇ જ ડર રહ્યો નથી. પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં જ માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહારે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઘટના પછી તરંગ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો. ત્યારે કુણાલ કહારનો ભાઇ અને માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહાર ત્યાં હતો. પોલીસ સ્ટેશનમાં જ તે તરંગને ગાળો બોલી દોડી આવ્યો હતો.તે મારા ભાઇ સાથે કેમ ઝઘડો કર્યો ?તેવું કહીને સૂરજે તરંગને મોંઢા પર મુક્કો મારી દીધો હતો. સૂરજ કહારે મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે અલગથી ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સૂરજ અગાઉ જેલમાંથી છૂટયો હતો. ત્યારે કારમાં તેણે સરઘસ કાઢ્યું હતું. તેમજ એક વૃદ્ધ દંપતી પર પણ તેને હુમલો કર્યો હતો. આજવા રોડ વિસ્તારમાં કુણાલ અને સૂરજની દાદાગીરીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે.
તું મોટો ભાઇ થઇ ગયો છે, તેવું કહીને હુમલો કર્યો
મારી જીપ પર છૂટ્ટા પથ્થરો મારી કાચ તોડી નાંખ્યા
વડોદરા,
સામા પક્ષે બૂટલેગર અને માથાભારે કુણાલ કહારે ચાર્મિસ કહાર, યશ કહાર, તરંગ કહાર અને હરિશ કહાર સામે પણ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી ગર્લ ફ્રેન્ડની બર્થડે હોવાથી આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આઇસક્રીમ ખાવા ગયા હતા. પરંતુ, દુકાન બંધ હોઇ મારી મિત્ર જતી રહી હતી. ત્યારબાદ હું પણ મારી જીપ લઇને ઘરે જતો હતો. તે સમયે ચાર્મિસ કહારે આવીને મારી ગાડીનો દરવાજો ખખડાવતા મેં કાચ ખોલ્યો હતો. ચાર્મિસ મને કહેવા લાગ્યો હતો કે, તું મોટો ભાઇ થઇ ગયો છે. તારા મિત્ર સન્ની જાદવને બોલાવ. મેં તેને એવો જવાબ આપ્યો કે, મારી પાસે તેનો નંબર નથી. તું તારી જાતે તેને બોલાવ. તમારા બંનેનો ઝઘડો છે. મને કેમ વચ્ચે પાડે છે. ચાર્મિસના ભાઇ હરિશ કહારે આવીને મારો કોલર પકડી મોંઢા પર ફેંટ મારવા લાગ્યો હતો. ત્યારબાદ ચારેય આરોપીએ ભેગા થઇને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હું ત્યાંથી મારી ગાડીમાં બેસી જતા તેઓએ છૂટ્ટા પથ્થરો મારી કારના કાચ તોડી નાંખ્યા હતા.
કુણાલ સામે ૨૯ અને તેના ભાઇ સામે ૨૧ ગુનાઓ
કુણાલ સહિત ચારને પોલીસે ઝડપી પાડયા
વડોદરા,
પાણીગેટની અથડામણમાં સામેલ કુણાલ અને તેના ભાઇ સૂરજ ઉર્ફે ચૂઇ કહાર સામે પ્રોહિબીશન અને મારામારીના કેસ નોંધાયા છે. કુણાલ સામે કુલ ૨૯ ગુનાઓ, ત્રણ વખત પાસા અને એક વખત તડિપારની કાર્યવાહી થઇ છે. સૂરજ સામે ૨૧ ગુનાઓ, બે વખત પાસા અને ત્રણ વખત તડિપારની કાર્યવાહી થઇ છે. ચાર્મિસ સામે મારામારી અને ધમકીના ૧૧ ગુનાઓ અને બે વખત પાસાની કાર્યવાહી થઇ છે. જ્યારે હરિશ સામે જુગારધારાના ત્રણ અને એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. યશ કહાર સામે ત્રણ ગુના છે. જ્યારે તરંગ કહાર સામે એકપણ ગુનો નોંધાયો નથી. પાણીગેટ પોલીસે આ ઘટનામાં કુણાલ, સૂરજ, તરંગ અને હરિશને ઝડપી પાડયા છે