ચોટીલા પોલીસ મથકે રાજકોટના બે શખ્સ સામે ગુનો
ખોટા ફોટા અને ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજ કરી છેતરપિંડી કરી હતી
સુરેન્દ્રનગર: ચોટીલાના નવાગામ, બામણબોર ખાતે આવેલ વારસાઈ જમીનમાં ખોટા ફોટા અને ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી અંગે રાજકોટના ત્રંબા ગામે રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
રાજકોટ ખાતે રહેતા ફરિયાદી અજયભાઈ ઉર્ફે મનોજ લાલજીભાઈ રાજાણીના વડીલોની નવાગામની સીમમાં આવેલ વડીલોની વારસાઈ જમીનમાં તેમના નામે ચડાવવાની હોય તેમ જણાવી કૌટુંબિક માસા ધીરૂભાઈ સામતભાઈ બાવળીયા (રહે.થાન, હાલ રહે.ત્રંબા રાજકોટ) તેમજ કૌટુંબિક મામા નરશીભાઈ ચોથાભાઈના દિકરા શૈલેષ સહિતનાઓએ અજયભાઈ, તેમના મામા અને માસીને ચોટીલા મામલતદાર ઓફિસે લઈ ગયા હતા અને દસ્તાવેજ કરાવ્યો હતો.
તે સમયે અજયભાઇના મામા અને માસી સહિતનાઓના ફોટા અને અંગુઠાની સહીઓ પણ બીજાએ કરી હોવાનું જણાવ્યું હતું. જે અંગેની ફરિયાદીને જાણ થતાં અગાઉ ચોટીલા પોલીસ મથકે આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ દસ્તાવેજની નકલ જોતા તેમાં ફરિયાદીના ફોટાને બદલે ખોટો ફોટો તેમજ ખોટી સહી તથા અંગુઠો માર્યો હતો અને ફરિયાદીના મામા નરશીભાઈ મેરામભાઈ તથા માસી જીવુબેન તેમજ ચોથીબેનના ખોટા ફોટા તથા ખોટી સહી અને અંગુઠા લગાવી બનાવટી દસ્તાવેજ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરી હોવાનું જણાઈ આવતા ભોગ બનનાર ફરિયાદીએ ચોટીલા પોલીસ મથકે ધીરૂભાઈ સામતભાઈ બાવળીયા તેમજ શૈલેષભાઈ નરશીભાઈ જેસાણી (બંને રહે.ત્રંબા, રાજકોટ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.