Ludhiana Murder Case: પંજાબના લુધિયાણામાં બનેલી એક સનસનીખેજ ઘટનાએ તમામને હચમચાવી મૂક્યા છે. અમેરિકાથી આવેલી 69 વર્ષીય એનઆરઆઈ રૂપિન્દર કૌર પંધેરની હત્યા કરી દેવામાં આવી હતી. લુધિયાણા નજીક ઘુંગરાણા ગામના એક નાળામાંથી તેનું હાડપિંજર મળી આવ્યું હતું. અહીં આવ્યા પછી રૂપિન્દર રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. હવે પોલીસે આ હત્યાનો પર્દાફાશ કર્યો છે.
મંગેતરે હત્યા કરાવી
પોલીસે ઘટના સ્થળેથી મહિલાનો ક્ષતિગ્રસ્ત આઈફોન પણ મળી આવ્યો છે, જેને આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે ત્યાં ફેંકી દીધો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે, રૂપિંદરની હત્યા તેના મંગેતરે કરાવી હતી, જે ઈંગ્લેન્ડમાં રહે છે. લુધિયાણા ડીસીપીએ જણાવ્યું કે, આ હત્યાનું કાવતરું રૂપિંદર કૌરના 67 વર્ષીય મંગેતર ચરણજીત સિંહ ગ્રેવાલે ઘડ્યું હતું.
ચરણજીત યુકેમાં રહે છે. તેણે લગ્ન ન કરવા માટે રૂપિન્દરને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું. તેણે તેના પરિચિત સુખજીત સિંહને તેની સોપારી આપી. સુખજીત સિંહ કિલા રાયપુરના કોર્ટ સંકુલમાં ટાઈપિસ્ટનું કામ કરે છે. પૂછપરછ દરમિયાન સુખજીતે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, મેં રૂપિંદરની હત્યા કરી હતી.
બેઝબોલ બેટથી કરી હત્યા
પોલીસે આ સમગ્ર મામલે જણાવ્યું કે,, 12 જુલાઈના રોજ સુખજીતે રૂપિન્દરની તેના ઘરમાં ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. તેણે બેઝબોલ બેટથી તેની હત્યા કરી હતી. હત્યા પછી તેણે લાશને કોલસા પર સળગાવી દીધી હતી અને પછી તેને ચાર બોરીઓમાં ભરીને ઘુંગરાણા ગામમાં એક નાળામાં ફેંકી દીધી હતી.
સુખજીત અને ચરણજીતની મુલાકાત 2014માં એક રાજકીય પક્ષના પ્રચાર દરમિયાન થઈ હતી. ત્યારબાદ તેઓ નજીક આવ્યા. આ દરમિયાન ચરણજીતે પ્રોપર્ટી વિવાદોમાં સુખજીતની મદદ માગી. રૂપિન્દર ઘણીવાર લુધિયાણા આવતી ત્યારે સુખજીતના ઘરમાં રહેતી હતી. તેણે સુખજીતને પોતાની પાવર ઓફ એટર્ની પણ સોંપી દીધી હતી. ધીમે-ધીમે રૂપિન્દરના નાણાકીય વ્યવહારો પણ આ બંને સાથે જોડાવા લાગ્યા.
50 લાખ રૂપિયાની લાલચ આપીને રૂપિન્દરની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રૂપિન્દરે ચરણજીત અને સુખજીતને 30 થી 35 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં જ્યારે ચરણજીતે તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો, ત્યારે તેણે સુખજીતને 50 લાખ રૂપિયાની લાલચ આપીને રૂપિન્દરની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું. જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે આ રકમ હજુ સુધી સુખજીતને આપવામાં નથી આવી.
આ પણ વાંચો: હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા
આ હત્યાને છુપાવવા માટે સુખજીતે ઓગસ્ટમાં પોતે પોલીસમાં રૂપિન્દર ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે દાવો કર્યો કે, રૂપિન્દર કેનેડામાં લગ્નમાં સામેલ થવા માટે દિલ્હી એરપોર્ટથી નીકળી હતી. આ ખોટી ફરિયાદનો હેતુ હત્યાને છુપાવવાનો હતો.
તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે
ડીસીપી રૂપિન્દર સિંહે જણાવ્યું કે, આ કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટીમ કામ કરી રહી છે. રૂપિન્દર કૌર પંધેરના બેંક ખાતાઓ દ્વારા થયેલા વ્યવહારોની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી તરીકે ચરણજીત સિંહ ગ્રેવાલનું નામ આપ્યું છે. તે હાલમાં યુકેમાં છે. પોલીસ હવે ઈન્ટરપોલ અને વિદેશ મંત્રાલયની મદદથી ચરણજીતને ભારત પ્રત્યાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ સ્થાનિક સ્તર પર હત્યાનું કાવતરુ અને પ્રોપ્રર્ટી વિવાદ સાથે સબંધિત તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.