India Slams Pakistan At UN: યુનાઈટેડ નેશન્સમાં ભારતે પાકિસ્તાનની વર્ષોથી ચાલી રહેલી નાપાક હરકતોનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા 40 વર્ષમાં આતંકવાદી હુમલામાં 20,000થી વધુ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જ 26 લોકોના મોત થયા હતાં.
સિંધુ જળ સંધિ પર એરિયા ફોર્મ્યુલા મીટિંગમાં ભારતના યુએનમાં કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર પાર્વથાનેની હરિશે પાકિસ્તાનના આક્ષેપોનો આકરો જવાબ આપતાં આતંકવાદ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પાકિસ્તાને ભારત પર આક્ષેપ કર્યો હતો કે, તે પાણીનો યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જેનો જડબાતોડ જવાબ આપતાં હરિશે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકવાદના કારણે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવામાં આવી છે. પાકિસ્તાને આ સંધિનો મોભો જાળવી રાખ્યો નહીં. આ સંધિ 1960માં બંને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી અને સહકારની ભાવના હેઠળ મંજૂર થઈ હતી. જો કે, પાકિસ્તાને તેનો ભંગ કર્યો છે.
પાકિસ્તાનનો ઉધડો લીધો
તેમણે પાકિસ્તાનની નીતિઓને ઉઘાડી પાડતાં કહ્યું કે, ભારતે હંમેશા જવાબદારીઓને ધ્યાનમાં રાખતાં કામ કર્યું છે. ભારતે 65 વર્ષ પહેલાં સદ્ભાવનાની લાગણીથી સિંધુ જળ સંધિમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા સાડા છ દાયકામાં પાકિસ્તાને ભારત પર ત્રણ યુદ્ધ અને હજારો આતંકવાદી હુમલા કરાવી સંધિનું ઉલ્લંઘન કર્યું છે. 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ છે. આ કરાર આતંકવાદ, આબોહવા પરિવર્તન અને ક્લિન એનર્જીની વધતી માંગ જેવા ઉભરતા પડકારો સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ રહ્યું છે. આ 65 વર્ષોમાં દૂરગામી મૂળભૂત ફેરફારો થયા છે, સરહદ પાર આતંકવાદી હુમલાઓના લીધે સુરક્ષા ચિંતાઓ વધી છે. તેમજ ક્લિન એનર્જીનું ઉત્પાદન, આબોહવા પરિવર્તન અને વસ્તી વિષયક પરિવર્તનની વધતી જતી જરૂરિયાતોના સંદર્ભમાં પણ પડકારો વધ્યા છે.
આ પણ વાંચોઃ ‘નિર્દોષ નાગરિકોની હત્યા, ધાર્મિક સ્થળો પર હુમલા કર્યા…’ UNમાં ભારતે પાક.ના પાખંડની પોલ ખોલી
સુરક્ષા માટે ડેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી જરૂરી
વધુમાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા અને અસરકારકતામાં વધારો કરવા ડેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજીને એડવાન્સ બનાવવી જરૂરી હોવા છતાં પાકિસ્તાન સમર્થન આપતુ નથી. તે અપગ્રેડના પગલાંઓમાં રોડા નાખી રહ્યું છે. અમુક જૂના ડેમમાં સુરક્ષાનું જોખમ વધ્યું છે. જો કે, પાકિસ્તાન આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માગતું નથી. સંધિની જોગવાઈઓમાં ફેરફાર કરવા માટે ભારત સતત પ્રયત્નશીલ રહ્યું છે. પરંતુ પાકિસ્તાન હંમેશા આ પ્રયાસોને નિષ્ફળ બનાવતું રહ્યું છે.
પાકિસ્તાન આતંકનું ગ્લોબલ હબ
પાકિસ્તાન આતંકવાદનું ગ્લોબલ હબ છે. સરહદ પાર આતંકવાદને સમર્થન આપવાનું જ્યાં સુધી તે બંધ નહીં કરે ત્યાં સુધી અમે સંધિ પરથી પ્રતિબંધો હટાવીશુ નહીં. સંધિનું સસ્પેન્શન પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણી અને આતંકવાદને સમર્થન આપનારા પાકિસ્તાનની અડોડાઈનું પરિણામ છે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી આતંકવાદીઓના ઠેકાણાંને નષ્ટ કરવામાં આવ્યા હતાં. જેની સામે પાકિસ્તાનની સેનાએ કાર્યવાહી હાથ ધરી હતી. સીઝફાયરનો ભંગ કરી મોર્ટાર અને આર્ટિલરી વડે અંધાધૂધ ગોળીબાર કરતાં સરહદ નજીક રહેતાં 20થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 80થી વધુ નાગરિકો ઘવાયા હતાં.