ઘરઆંગણે ઓર્ડરમાં વધારો થતા માર્ચમાં સાનુકૂળ સ્થિતિ
મુંબઈ : સમાપ્ત થયેલા માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબુ્રઆરીમાં ૧૪ મહિનાની નીચી સપાટીએ હતી. માર્ચનો ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ૫૮.૧૦ રહ્યો હતો જે ફેબુ્રઆરીમાં ૫૬.૩૦ જોવાયો હતો. ઘરઆંગણે ઓર્ડર બુકમાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો જોવા મળ્યો હોવાનું એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. માર્ચ, ૨૦૨૫ના ક્વાર્ટરમાં નવા ઢાંચાગત પ્રોજેક્ટોની જાહેરાતો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.
નવા ઓર્ડર બુકનો ઈન્ડેકસ પણ ગયા મહિને આઠ મહિનાની ટોચે જોવા મળ્યો હતો. ગ્રાહકોના રસમાં વધારો, માગની સાનુકૂળ સ્થિતિ તથા માર્કેટિંગ પહેલોને પરિણામે ઓર્ડર બુકમાં વધારો જોવા મળ્યો છે.
માગની મજબૂત સ્થિતિને કારણે કંપનીઓની ફિનિશ્ડ ગુડસની ઈન્વેન્ટરીમાં ત્રણ વર્ષનો ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. વેપાર આશાવાદ પણ ઊેચો રહ્યો છે. સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી ૩૦ ટકાએ આગામી એક વર્ષમાં ઉત્પાદન વોલ્યુમ ઊંચુ રહેવાની ધારણાં મૂકી છે જ્યારે બે ટકાથી ઓછા લોકોએ વોલ્યુમમાં ઘટાડો જોવા મળવાની ધારણાં મૂકી છે.
મજબૂત ઓર્ડરને કારણે કંપનીઓમાં ઉત્પાદનમાં વધારાની ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ઊંચી માગને પહોચી વળવા કંપનીઓએ ઈન્વેન્ટરીસમાંથી માલનો પૂરવઠો કરવાની ફરજ પડી હતી જેને કારણે સ્ટોકસનું સ્તર ઘટી જાન્યુઆરી ૨૦૨૨ બાદની નીચી સપાટીએ જોવાયું હતું.
ઘટી ગયેલા સ્ટોકસને ફરી વધારવા કંપનીઓ દ્વારા કાચા માલની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો હતો. દેશમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળી રહી હોવાના વધુ એક સારા સંકેત મળ્યા છે. માર્ચ મહિનામાં દેશમાં ઉત્પાદન પીએમઆઈ સૂચકઆંક ૮ મહિનાની ટોચે પહોંચ્યા સાથે વધુ એક આંકડા દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે.
માર્ચ, ૨૦૨૫ના ક્વાર્ટરમાં નવા ઢાંચાગત પ્રોજેક્ટોની જાહેરાતો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ)ના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન ફેક્ટરીઓ, રસ્તાઓ અને પાવર પ્લાન્ટ સંબંધિત નવા પ્રસ્તાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.
ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલા રોકાણ સમિટોએ ઈન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટની તેજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન નવા પ્રોજેક્ટ્સનું કુલ મૂલ્ય રૂ. ૧૮.૭ લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે પાછલા ક્વાર્ટર કરતા બમણું છે.
જાન્યુઆરી-માર્ચ, ૨૦૨૫ના ત્રિમાસિકગાળામાં પાવર સેક્ટરમાં મોટા પાયે રોકાણની જાહેરાતો થઈ છે. ઊર્જા સેક્ટરના જોરે આ આંકડો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો. ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે ઊર્જા ક્ષેત્રમાં આ રોકાણ માત્ર દેશના વીજ પુરવઠાને જ મજબૂત નહિ બનાવે પરંતુ રોજગારની નવી તકોનું પણ સર્જન કરશે.
માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટોમાં આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો દેશમાં ઔદ્યોગિક અને માળખાગત વિકાસ માટે અત્યંત ઉત્સાહિત છે. આનાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે જ અને રોજગાર તથા વ્યવસાયની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમગ્ર સાયકલ દેશના અર્થતંત્ર માટે લાંબાગાળાનો મજબૂત ઢાંચો તૈયાર કરશે.