સરકારને સેટેલાઈટ ઈમેજથી હજારો ખેતરોમાં મગફળી દેખાઈ નહીં! : સરકાર હેરાન કરે છે કહીને સેંકડો ખેડૂતોનું ટંકારામાં વિરોધ પ્રદર્શન, : અમરેલી સહિત દરેક જિલ્લામાં વિરોધ
રાજકોટ, : ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમજનક વાવેતર સાથે એકંદરે સાનુકૂળ મૌસમથી મગફળીનો રેકોર્ડબ્રેક 66 લાખ ટન પાકનો અંદાજ છે અને બજારમાં મગફળીના ભાવ રૂ।. 900થી 1200 વચ્ચે જ રહ્યા છે ત્યારે સરકારને રૂ।. 1453ના ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોનો ભારે ધસારો રહ્યો છે. આ સ્થિતિમાં ખેડૂતોએ રજૂ કરેલી વિગતોની ડિજિટલ ક્રોપ સર્વેમાં હજારો ખેડૂતોના ખેતરોમાં સરકારને મગફળી વવાયેલી નજરે નહીં પડતા અને તે અન્વયે હજારો ખેડૂતોને ‘ આપના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળેલ નથી’ તેવા મેસેજ ફટકારાતા કિસાનોમાં ભારે અસંતોષ,ઉહાપોહ અને રોષ જાગ્યો છે જેના પગલે રજૂઆતો,વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
ટંકારામાં 45ગામોના પાંચસો જેટલા ખેડૂતો ખેતીવાડી વિસ્તરણ અધિકારી પાસે ધસી જઈને રદ કરાયેલી તમામ અરજીઓ મંજુર રાખવા અન્યથા રસ્તારોકો સહિત ઉગ્ર આંદોલનની ચિમકી અપાઈ છે. ટંકારા તાલુકાના ખેડૂત વિભાભાઈ લામકા અને પ્રકાશભાઈ સવસાણીએ એ જણાવ્યું કે સરકાર મગફળી ખરીદીમાં ખોટી રીતે હેરાન કરે છે, 80 ટકા ખેડૂતોએ મગફળી વાવી છે જેમાં 20 ટકા ખેડૂતોને તમે મગફળી નથી વાવી તેવા ખોટા મેસેજ આવ્યા છે.
ખેતીવાડી અધિકારીએ સ્વીકાર્યું કે મોરબી જિલ્લામાં 19,324 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા અરજીઓ કરી છે જેની સેટેલાઈટ ઈમેજ વેરિફિકેશનમાં 4500 અરજીઓમાં વેરીફાઈ નહીં થતા તે તપાસવા માટે અપાઈ છે.
જસદણમાં આજે ત્રણસો જેટલા ખેડૂતો મામલતદાર કચેરીએ ધસી જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડિજિટલ ક્રોપ સર્વેમાં નોંધણી રદ થવા સામે વિરોધ કરીને આવેદનપત્ર અપાયું છે. અમરેલીમાં સાવરકુંડલા પંથકમાં ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહી હેરાન થઈને માંડ નોંધણી કરાવી અને સાથે 7-12, 8 વગેરે આધારો રજૂ કર્યા,વાવેતર કર્યાના દાખલા પણ સબમિટ કર્યા છતાં અનેક ખેડુતોને તમે મગફળી વાવી નથી તેવા એસ.એમ.એસ. મોકલાયા છે. એકંદરે સૌરાષ્ટ્રભરમાં હજારો ખેડૂતોના ખેતરમાં સરકારના સેટેલાઈટ ઈમેજમાં મગફળી નહીં દેખાતા અને તેના મેસેજ ઠપકારાતા પ્રચંડ રોષની લાગણી જોવા મળી છે.