વારંવાર રજૂઆત છતાં મહાપાલિકા દ્વારા કોઈ ઉકેલ નહીં
વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અંદાજે ૨૦૦થી વધુ પરિવારોને મુશ્કેલી, સત્વરે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી અપાઈ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરના નવા ૮૦ ફુટ રોડ પાછળ આવેલી અમુક સોસાયટીઓમાં વરસાદની પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકોએ અવારનવાર મહાનગરપાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના નવા ૮૦ ફુટ રોડ પાછળ આવેલ મચ્છુનગર તેમજ આસ૫ાસની સોસાયટીઓમાં અંદાજે ૨૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતું પાણી અત્યંત દુર્ગંધ મારતું પાણી હોવાથી વિદ્યાર્થીઓને પણ શાળાએ અવર-જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. આ બાબતે અનેક વખત સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત જિલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદને લઈને શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે આ સોસાયટીઓમાં પણ ટાઈફોડ મેલેરિયા જેવા રોગોથી પીડાતા દર્દીઓ રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો મત લેવા માટે મોટા મોટા વાયદાઓ કરતા હોય છે અને જેવી ચૂંટણી પતે ત્યારે આ વિસ્તારમાં કોઈ ડોકાતું નથી તેવા પણ આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલી છે જે વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે બંધ કરી દેવામાં આવી છે તેઓ પણ સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો આવે છે અને ભૂગર્ભ ગટરને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે પણ ફરી થોડા દિવસોમાં પરિસ્થિતિ જેસે થે થઈ જાય છે. જો આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે.