વડોદરા,લોન એજન્ટનું કામ કરતો યુવક વ્યાજખોરની ચુંગલમાં ફસાયો છે. મૂડી કરતા વધુ રકમ ચૂકવ્યા પછી પણ વ્યાજખોર દ્વારા વધુ રૃપિયાની માંગણી કરી ધમકી આપવામાં આવતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખોડિયાર નગર શિલ્પ ટેનામેન્ટમાં રહેતા કેતન અશોકભાઇ રાજપૂત લોનનું કામ કરે છે. તેણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આશરે પાંચ વર્ષ પહેલા મારી ઓફિસ પર મારા એક ગ્રાહક કિરણભાઇ મારવાડીના રેફરન્સથી પ્રેમચંદ્ર અમૃતલાલ સરગરા (રહે. મારવાડી મહોલ્લો, મંગલેશ્વર મહાદેવ પાસે, ફતેપુરા) લોન લેવા માટે આવ્યો હતો.મેં તેની પત્ની પિન્કીબેન મારવાડીના નામે નાવી ફાઇનાન્સમાંથી ૨૫ હજારની લોન અપાવી હતી.ત્યારબાદ અવાર – નવાર પ્રેમભાઇ મારવાડી મારી ઓફિસે કોઇના નામે લોન માટે આવવા લાગ્યો હતો. મારા એક ગ્રાહક કિરણભાઇએ મને જણાવ્યું હતું કે, પ્રેમભાઇ મારવાડી લોન લઇને વ્યાજે રૃપિયા આપે છે. બે વર્ષ પહેલા મારા પિતાને ધંધા માટે રૃપિયાની જરૃર પડી હતી. પરંતુ, મારા નામે લોન થતી નહતીં.જેથી, મેં ગત તા. ૩૦ – ૧૧ – ૨૦૨૩ ના રોજ પ્રેમ મારવાડી પાસેથી ૧ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. મેં સિક્યોરિટી પેટે મારી સહીવાળા બે કોરા ચેક આપ્યા હતા. મેં અત્યારસુધી તેની પાસેથી ૨.૭૧ લાખ લીધા હતા. તેની સામે રૃપિયા ૫.૮૨ લાખ ચૂકવ્યા છે. તે ઉપરાંત તેની પાસેથી લીધેલી કાર પેટે પણ ૧.૬૦ લાખ ચૂકવ્યા હતા. તેમજ કારની લોનના હપ્તા પણ હું ભરપાઇ કરૃં છું. તેમછતાંય મને ગાડી હજી આપી નથી. તેમછતાંય પ્રેમ સરગરા મારી પાસેથી વધુ ૬.૧૨ લાખની માંગણી કરી ધમકી આપે છે. મારી પોલીસ અને પ્રેસમાં ઓળખાણ છે. તારાથી કંઇ નહીં થાય, તેવું કહી મારવાની ધમકી આપે છે.