– ગુવાહાટીનું સ્ટેડિયમ નાનું પડયું, પુષ્પાંજલિ માટે પડાપડી
– ભરવરસાદમાં પણ જંગી મેદની ઉમટતાં નેશનલ હાઈવે ચક્કાજામ અંતિમ દર્શન માટે સ્ટેડિયમ આખી રાત ખુલ્લું રખાયું
ગુવાહાટી: સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ વખતે અચાનક શ્વાસ લેવામાં તકલીફ બાદ મૃત્યુ પામેલા વિખ્યાત સિંગર ઝુબીન ગર્ગનો પાર્થિવ દેહ ગુવાહાટીના સરુસજાઈ ખાતેના અર્જુન બરુઆ સ્ટેડિયમમાં લોક દર્શનાર્થે રાખવામાં આવતાં ભારે વરસાદમાં પણ એક લાખથી વધુ ચાહકો અંતિમ દર્શન માટે ઉમટી પડયા હતા. પરંપરાગત આસામીઝ ગમોસામાં વીંટળાયેલા ઝુબીનના પાર્થિવ દેહને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. તેના પર પુષ્પાંજલિ માટે રીતસરની પડાપડી થઈ હતી. ઝુબીનની પત્ની ગરિમા ચાહકોની આ ભાવના નિહાળી ગદગદ થઈ ગઈ હતી અને તેમણે તેમનો આભાર માન્યો હતો.
આસામ સરકારે જાહેર કર્યું હતું કે સ્ટેડિયમ રવિવારની રાતે અને સોમવારે પણ ખુલ્લું રખાશે જેથી મહત્તમ ચાહકો તેમના પ્રિય ગાયકનાં અંતિમ દર્શન કરી શકે. ચાહકો એટલી માત્રામાં ઉમટયા હતા કે આ સ્ટેડિયમ પણ નાનું પડી ગયું હતું. અસંખ્ય લોકો ઝુબીનના વિશાળ કટ આઉટ્સ લઈને આવ્યા હતા. કેટલાય લોકોએ સ્ટેડિયમની બહાર નાના નાના જૂથો રચી રડતાં રડતાં ઝૂબીનનાં ગીતો ગાઈને તેને સૂરાંજલિ આપી હતી. કેટલાક ચાહકો તો એવું આક્રંદ મચાવ્યું હતુ ંકે તેમને શાંત પાડવા માટે સ્વયંસેવકો તથા સિક્યુરિટી જવાનોએ જહેમત ઉઠાવવી પડી હતી.
લોકો નાનાનાના સરઘાસાકારે સ્ટેડિયમ સુધી પહોંચ્યા હતા. તેના કારણે આ સ્ટેડિયમ તરફ આવતો નેશનલ હાઈવે નંબર ૨૭ ચક્કાજામ થઈ ગયો હતો. આસામ સરકારના મંત્રીઓ, ઉચ્ચાધિકારીઓ, જાહેર જીવનના મહાનુભવોથી માંડીને રાજ્યના અદના ચાહકો પણ પોતાના પ્રિય ગાયકને અંજલિ આપવા માટે ઉમટયા હતા.
અગાઉ ઝૂબીનનો પાર્થિવ દેહ દિલ્હીથી વિમાન માર્ગે ગુવાહાટી લવાયો હતો. તેના કાહિલપારા વિસ્તાર ખાતેના રહેણાંકથી સ્ટેડિયમ સુધી પાર્થિવ દેહ લાવવા માટે પચ્ચીસ કિમીનું અંતર કાપવામાં પણ છ કલાક લાગ્ય ાહતા. એરપોર્ટથી તેના ઘર અને સ્ટેડિયમ સુધીના રસ્તાઓ પર બંને બાજુ અસંખ્ય ચાહકોએ કતારો લગાવી હતી.