Diwali Muhurat Trading Session 2025: ભારતીય સ્ટોક એક્સચેન્જે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ સેશનની જાહેરાત કરી દીધી છે. આ વખતે એનએસઈ 21 ઓક્ટોબરના રોજ દિવાળી પર બપોરે 1.45થી 2.45 સુધીનું મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજશે. એનએસઈએ સર્ક્યુલર જાહેર કરી આ અંગે માહિતી આપી હતી.
હિન્દુ કેલેન્ડર વર્ષના નવા સંવતની શરૂઆતમાં રોકાણકારો આખું વર્ષ સમુદ્ધ અને વૃદ્ધિમય રહેવાની કામના સાથે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં રોકાણ અને ટ્રેડિંગ કરે છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિત્તે ભારતીય સ્ટોક એક્સચેન્જ એનએસઈ અને બીએસઈ મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજે છે. સામાન્ય રીતે દિવાળી પર માર્કેટ ટ્રેડિંગ માટે બંધ રહેશે. પરંતુ બપોરે એક કલાકનું સ્પેશિયલ ટ્રેડિંગ સેશન થશે.
આ પણ વાંચોઃ સોના-ચાંદીમાં મબલક તેજી, આજે ફરી રેકોર્ડ ટોચે, આ વર્ષે રોકાણકારોને 47 ટકા નફો
એનએસઈના સર્ક્યુલર અનુસાર, દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગનું પ્રિ-ઓપનિંગ સેશન 1.30 વાગ્યે શરૂ થશે. શેરબજારમાં રોકાણકારો અને ટ્રેડર્સ દિવાળીને શુભ દિવસ માની ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સોદો પાડે છે. આ સોદો નવા વર્ષ દરમિયાન લાભ આપનારો હોવાની માન્યતા છે. ઉલ્લેખનીય છે, સામાન્ય રીતે સ્ટોક એક્સચેન્જીસ પર મુહૂર્ત ટ્રેડિંગ સેશન સાંજે છ વાગ્યે શરૂ થતુ હોય છે. પરંતુ આ વખતે એનએસઈએ સમયમાં ફેરફાર કર્યો છે.