અમદાવાદ,શુક્રવાર
પાલડીમાં રહેતા ૮૮ વર્ષીય તબીબ પર ઇડીનો કેસ થયો હોવાનુૂં કહીને તેમને ડીજીટલ એરેસેટ કરીને આઠ કરોડની રકમ પડાવી લેવાના મામલે ઝડપાયેલા આરોપીઓની પુછપરછ અને નાણાંકીય વ્યવહારની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લાખો રૂપિયાની રકમ સુરતની આંગડિયા પેઢી મારફતે મુંબઇ અને નોઇડા ખાતે મોકલવામાં આવી હતી. જે નાણાં ક્રિપ્ટો કરન્સી મારફતે કમ્બોડિયા સ્થિત ગેંગને પહોંચતા કરાયા હતા.
પાલડીમાં રહેતા સિનિયર ડૉક્ટર વિરૂદ્ધ જેટ એરવેઝના નરેશ ગોયલના કેસની તપાસ દરમિયાન પુરાવા મળ્યા હોવાથી ઇડીનો કેસ થયો હોવાનું કહીને તેમના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યાનો કોલ કરીને ડીજીટલ એરેસ્ટ કરવામાાં આવ્યા હતા. ત્યારબાદ તેમના રોકાણની વિગતો જાણીને આઠ કરોડની રકમ નારણપુરામાં આવેલી યસ બેંકના એક કંરટ ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે જેમાં ટેકનીકલ એનાલીસીસના આધારે પોલીસે પપ્પુસિંઘ પરીહાર (રહે.ઉમંગ લાંભા-૧ એપાર્ટમેન્ટ,અસલાલી રોડ,નારોલ) , આસીફ શાહ (લાઠી, અમરેલી) અને વિકાસ સિંગ (રહે. ન્યુ પદમાવતી સોસાયટી,વસઇ, પાલઘર, મહારાષ્ટ્ર)ને ઝડપીને પુછપરછ કરી હતી. ત્યારે જામતારાની અને કમ્બોડિયા સ્થિત ગેંગની સંડોવણી સામે આવી હતી.
આ કેસમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેતરપિંડીના નાણાં પૈકી કેટલાંક નાણાં ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલી બેંકોમાં ટન્સફર કરાયા હતા. જે નાણાં ચોક્કસ વ્યક્તિ દ્વારા એકઠા કરીને સુરતની એક આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા. ત્યારબાદ આ નાણાં ક્રિપ્ટો કરન્સીની બ્લોક ચેઇન મારફતે કમ્બોડિયા સ્થિત ગેંગને પહોચતા કરાયા હતા. આમ, ડીજીટલ એરેસ્ટ કેસમાં ક્રાઇમબ્રાંચને છેતરપિંડી આચરવામાં સક્રિય સ્થાનિક નેટવર્કની વિગતો મેળવવામાં મહત્વની સફળતા મળી છે.