Fake Paneer Busted in Vijapur: મહેસાણાના વિજાપુરમાં ભેળસેળ યુક્ત પનીર બનાવતી ફેક્ટરી પર આઠમી ઓગસ્ટના રોજ ફૂડ વિભાગે દરોડા પાડવામાં આવ્યા હતા. ભેળસેળ યુક્ત પનીર બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડી 649 કિલો પનીર અને 238 કિલો પામોલીન તેલનો જથ્થો ઝડપીને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. હવે આ પનીરના નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેઈલ થયા હતા. રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આ પનીરના નમૂનાઓમાં વેજ ફેટ (વનસ્પતિજન્ય ચરબી) હતું, જે પનીર બનાવવાના નિયમ વિરુદ્ધ છે.
ફૂડ વિભાગે રૂ.1 લાખ વધુ પનીર અને પામોલીન તેલનો જથ્થો સીઝ કર્યો હતો
વિજાપુરમાં હિંમતનગર હાઈવે પર આવેલા આવકાર વેરહાઉસમાં ભેળસેળ યુક્ત બનાવટી પનીર બનાવતી ડિવાઈન ફૂડ નામની ફેક્ટરી ઝડપી પાડી હતી. ફૂડ વિભાગે 1.61 લાખ રૂપિયાની કિંમતનો પનીર અને પામોલીન તેલનો જથ્થો સીઝ કરી માલિક સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માર્કેટમાં શુદ્ધ પનીર રૂ. 400નું કિલોના ભાવે વેચાય છે, પરંતુ નકલી પનીર 50 ટકાના ભાવે એટલે કે રૂ. 200નું કિલોના ભાવે વેચાતું હતું. હવે આ પનીરના નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેઈલ જાતા ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે.
ફૂડ વિભાગ હવે આ કેસને અધિક કલેક્ટરની કોર્ટમાં ચલાવશે. આ મામલે ફેક્ટરી સંચાલકને અંદાજે 10 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ થઈ શકે છે. આ દંડની રકમ ગુનાની ગંભીરતા અને વેચવામાં આવેલા નકલી પનીરના જથ્થા પર આધાર રાખે છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું- પાયલટનો વાંક કાઢવો કમનસીબી
ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી
ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિયેશન દ્વારા પણ તાજેતરમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં મળતું 92 ટકા પનીર નકલી હોય છે. ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલમાં પીરસવામાં આવતાં પનીરનો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હતો. આ સેમ્પલ સર્વેમાં જુદી જુદી હોટલોમાંથી લેવામાં આવેલાં 35 ટકાથી વધુ પનીરના સેમ્પલ ફેઈલ થયાં છે. જે નકલી પનીર અથવા ભેળસેળવાળું પનીર હોવાનું ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓર્થોરિટીના સૂત્રોએ જણાવ્યું છે.
આ બીમારીનું જોખમ વધુ
ડૉક્ટરોના મતે જો કોઈ વ્યક્તિ ક્યારેક આવું ભેળસેળ યુક્ત પનીર ખાય તો તેને ટૂંકાગાળા માટે અપચો, વોમિટિંગ, ડાયેરિયા, માથાનો દુ:ખાવો, ગેસ્ટરાઈટીસ અને એલજી જેવી તકલીફો થાય છે. પરંતુ જો આવો આહાર વારંવાર કે નિયમિત લેવામાં આવે તો પેટનું અલ્સર, પેટનું કેન્સર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીનું જોખમ વધે છે જેથી હૃદય અને મગજની ધમનીઓ બ્લોકેજ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત કિડની, લીવર અને ડાયાબિટીસની પણ તકલીફ થઈ શકે છે.