Navratri 2025, Surat : એક તરફ જ્યાં સુરત મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, અને યુવાનો દોઢિયા-પોપટિયા જેવા આધુનિક ગરબામાં મશગૂલ છે, ત્યારે બીજી તરફ આદિવાસી સમાજની 200 વર્ષ કરતાં પણ વધુ જૂની પરંપરા, ‘ઘેરૈયા રાસ’ આજે પણ જીવંત છે. આધુનિક નવરાત્રિના માહોલ વચ્ચે પણ સુરતના કોટ વિસ્તાર અને આસપાસના ગામોમાં ઘેરૈયાઓનો રાસ જોવા મળી રહ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આજના આધુનિક યુગમાં પણ સુરતીઓ આ પરંપરાગત ઘેરૈયાને શુકનિયાળ માની સન્માન સાથે પોતાના ઘરે ગરબા ગવડાવે છે.
આદિવાસી સમાજની 200 વર્ષ જૂની પરંપરા ‘ઘેરૈયા રાસ’
નવરાત્રિનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે અને લોકો જુદી જુદી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે. મૂળ સુરતીઓ અને નજીકના ગામોના લોકો ઘેરૈયાઓને ઘરઆંગણે બોલાવીને માતાજીની ભક્તિ કરે છે. સુરતના કોસાડ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા જોવા મળે છે. કોસાડના બાવળ ફળિયામાં રહેતા આશાબેન પટેલ કહે છે, “અમારા ગામમાં પેઢી દર પેઢીથી ઘેરૈયાઓને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવે છે.”
તેઓ વધુમાં કહે છે કે, “ઘેરૈયાઓની ટુકડીમાં એક પણ મહિલા હોતી નથી. આ નૃત્ય શક્તિની આરાધના ઉપરાંત અન્ય પ્રસંગોએ પણ કરવામાં આવે છે, જેમ કે કોઈના મૃત્યુ સમયે અથવા બાળકનો જન્મ થયો હોય ત્યારે. ઘેરૈયાનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે. પુરુષો જ સાડી અને બ્લાઉઝ પહેરીને ઘેર રમે છે. અમારા વડીલોની માન્યતા હતી કે આ લોકો ઘર કે આંગણામાં ગરબા રમે તો આશીર્વાદ મળે છે, જે આજે પણ અમે માનીએ છીએ. આ ઘેરૈયા ગ્રૂપમાં ‘બ્લેક બિલ્લી’ નામનું પાત્ર હોય છે જે ઘરમાં ફરીને પીંછી મારે છે, જેથી અસુરી શક્તિનો નાશ થાય છે.” આ માન્યતાના કારણે આજે પણ આ પરંપરા જોવા મળે છે અને સુરતીઓ તેમને સન્માનપૂર્વક આવકારીને પૈસા પણ આપે છે.
ઘેરૈયા ટુકડીનો નાયક ‘કવિયો’
આધુનિક યુગમાં પણ આ પરંપરાને જીવંત રાખવામાં કદર કરનારા સુરતીઓ અને કલાકારોનો મોટો ફાળો છે. ઘેરૈયા ટુકડીમાં એક નાયક હોય છે, જેને કવિયો કહેવામાં આવે છે. આ કવિયો આદિવાસી ભાષામાં ગીત ગાય છે અને ટુકડીના અન્ય સભ્યો તેને ઝીલે છે. ઘેરમાં એક ‘ઘોડીવાળો’ પાત્ર પણ હોય છે, જે લાકડી પર ઘોડાનું માથું બાંધીને બે પગ વચ્ચે રાખી ઘોડેસવારની જેમ ફરે છે. આ ઉપરાંત, જોકર જેવું પાત્ર પણ હોય છે જે લોકોનું મનોરંજન પૂરું પાડે છે.
આ પણ વાંચો: એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવેશ પર જ પ્રતિબંધ
ઘેરૈયા આવે તો આખું વર્ષ સુખમય રહે છે
આજે પણ સુરતના અનેક લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જો ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને રાસ રમે તો આખું વર્ષ સુખમય અને શાંતિપૂર્ણ રહે છે. આ માન્યતાને કારણે સોસાયટી કે શેરીઓમાં ઘેરૈયા આવે ત્યારે કેટલાક લોકો તેમને વિશેષ ભેટ આપીને પોતાના ઘરમાં પણ રમાડે છે. આ ઉપરાંત, ઘેરૈયાઓ ઘરમાં રમી જાય તો નજર લાગતી નથી તેવી પણ માન્યતા છે. આ કારણોસર, આદિવાસી સમાજની આ પ્રાચીન પરંપરા આજે પણ સુરતમાં જીવંત છે.