Supreme Court On Urdu | સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ. ઉર્દૂ ‘ગંગા-જમુની તહેજીબ’ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ ભાષાનો જન્મ ભારતમાં જ થયો છે.
મરાઠી ભાષાની માગ કરતી અરજી ફગાવી
જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ કે.વિનોદ ચંદ્રનની બેન્ચે પાતુર નગર નિગમના પૂર્વ કાઉન્સિલર વર્ષાતાઈ સંજય બાંગડેની અરજી ફગાવી દીધી હતી. અરજદારે સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સ્થાનિક ઓથોરિટી (સત્તાવાર ભાષા) એક્ટ, 2022 હેઠળ ફક્ત મરાઠીનો ઉપયોગ થવો જોઈએ. તેની સામે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે ‘ભાષા કોઈ ધર્મની ન હોઇ શકે, તે કોઈ સમુદાય કે ક્ષેત્ર અને લોકોની હોય છે.’
કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
જસ્ટિસ ધૂલિયાએ તેમના ચુકાદામાં કહ્યું કે ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો છે અને તેને કોઈ ધર્મ સાથે જોડવી એ યોગ્ય નથી. આ ગંગા-જમુની તહેજીબનું પ્રતીક છે જે ઉત્તર અને મધ્ય ભારતના સમન્વિત સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉર્દૂ અને મરાઠી બંનેને બંધારણ હેઠળ સમાન દરજ્જો છે. કોર્ટે કહ્યું કે જો સ્થાનિકો ઉર્દૂ ભાષાથી વાકેફ છે તો સાઈનબોર્ડ પર આ ભાષાના પ્રયોગ સામે કોઈ વાંધો ન હોવો જોઇએ.