– સરકારી તીજોરી પર બોનસથી રૂ. 1886 કરોડનો બોજ પડશે
– દેશની સરકારી મેડીકલ કોલેજોમાં એમબીબીએસની 5023 અને અનુસ્નાતકની 5000 બેઠકો વધારવાના નિર્ણયને મંજૂરી અપાઇ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. ૧૦.૯ લાખ રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસના પગાર જેટલા ઉત્પાદકતા સાથે સંકળાયેલ બોનસને મંજૂરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા જારી પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોનસની કુલ રકમ ૧૮૮૬ કરોડ રૂપિયા થાય છે. આ બોનસ રેલવેના ૧૦,૯૧,૧૪૬ કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યું છે.
રેલવે કર્મચારીઓને દર વર્ષે દશેરા અને દુર્ગા પૂજાની રજાઓ પહેલા પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ (પીએલબી) આપવામાં આવે છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વડાપ્રધાને ૭૮ દિવસના પગાર જેટલા ઉત્પાદકતા સાથે સંકળાયેલા બોનસને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ૧૦.૯ લાખ કર્મચારીઓને લાભ થશે.
સરકાર દ્વારા જારી નિવેદન અનુસાર પ્રત્યેક પાત્રતા ધરાવતા કર્મચારી માટે ૭૮ દિવસના પગાર જેટલા બોનસની મહત્તમ રકમ ૧૭,૯૫૧ રૂપિયા છે. બોનસની આ રકમ રેલવેના પાટાઓની સંભાળ રાખનારા, લોકો પાયલોટ, ટ્રેન ગાર્ડ, સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર,. ટેકનિશિયન, ટેકનિકલ હેલ્પર્સ, પોઇન્ટ્સમેન, મંત્રાલયનો સ્ટાફ અને અન્ય ગુ્રપ સીના કર્મચારીઓને ચુકવવામાં આવશે.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫માં રેલવેનો દેખાવ ખૂબ જ સારો રહ્યો છે. રેલવેએ રેકોર્ડ ૧૬૧.૪૯ કરોડ ડોન ટન માલનું વહન કર્યુ હતું અને ૭.૩ અબજ યાત્રીઓને યાત્રા કરાવી હતી.
કેન્દ્રીય કેબિનેટે અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ દેશની સરકારી મેડીકલ કોલેજોમાં એમબીબીએસની ૫૦૨૩ બેઠકો અને અનુસ્નાતકની ૫૦૦૦ બેઠકો વધારવાના નિર્ણયને મંજૂરી આપી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોની મેડિકલ કોલેજોને વધુ શક્તિશાળી બનાવવા અને અપગ્રેડ કરવાની સ્કીમના ત્રીજા તબક્કા હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે. આ નવી બેઠકોનો ઉમેરો શૈક્ષણિક વર્ષ ૨૦૨૮-૨૯થી કરવામાં આવશે. વિસ્તરણનો ખર્ચ પ્રત્યેક બેઠક માટે ૧.૫ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે.
આ સ્કીમ પાછળ કુલ ૧૫,૦૩૪. ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં કેન્દ્ર સરકારનો ફાળો ૧૦,૩૦૩.૨૦ કરોડ રૂપિયા અને રાજ્યોનો ફાળો ૪૭૩૧.૩૦ કરોડ રૂપિયા રહેશે.
એક અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં જહાજ નિર્માણ અને સમુદ્રી વહન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ૬૯,૭૨૫ કરોડ રૂપિયાના વ્યાપક પેકેજને મંજૂરી આપી છે.
આ પેકેજ હેઠળ શિપબિલ્ડિંગ ફાઇનાન્સિયલ આસિસટન્સ સ્કીમ (એસબીએફએએસ)ને ૩૧ માર્ચ, ૨૦૩૬ સુધી વધારી દેવામાં આવી છે. જેના માટે ૨૪,૭૩૬ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
સત્તાવાર નિવેદન અનુસાર આ પેકેજ ૪૫ લાખ ટન ક્ષમતા વિકસિત કરશે, ૩૦ લાખ રોજગારીનું સર્જન કરશે અને ૪.૫ લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષિત કરશે.