– પૂર્ણ રાજ્યની માંગ સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા, ભાજપ કાર્યાલય સળગાવ્યું
– 35 દિવસથી 15થી વધુ યુવાનો ભુખહડતાળ પર હતા: યુવાનો ગોળીઓથી ડરશે નહીં, સરકારે હિંસા માટે મજબુર કર્યા: વાંગચુકે 15 દિવસે ઉપવાસ પૂરા કર્યા, સરકારની વહેલા વાટાઘાટોની તૈયારી
લેહ : લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે લદ્દાખમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા, આ દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે સામસામે ભારે ઘર્ષણ થયું હતું. જેથી આ આંદોલન હિંસામાં ફેરવાઇ ગયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા ગોળીબાર કરાતા ચાર લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. જ્યારે ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આંદોલનકારીઓએ લેહમાં ભાજપની ઓફિસ પર હુમલો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી. આંદોલનમાં સામેલ મોટાભાગના યુવા વયના છે.
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે લદ્દાખ એપેક્સ બોડી (એલએબી) યુવા સંગઠનો દ્વારા લેહમાં બુધવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા હતા અને લેહમાં ભાજપની ઓફિસ પર હુમલો કર્યો હતો, અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. આ પહેલા લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જા અને છઠ્ઠી યાદીની માગણી સાથે ૧૫ જેટલા યુવાનો ૩૫ દિવસની ભુખહડતાળ પર બેઠા હતા, તેમાંથી કેટલાકનું સ્વાસ્થ્ય કથળતા તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, આ સમાચાર ફેલાતા જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ કાબુ બહાર જતા અનેક વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે ઠેરઠેર સુરક્ષાદળો ખડકી દેવામાં આવ્યા છે. બીજી તરફ પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે હિંસાને પગલે પોતાના ઉપવાસ બુધવારે પૂર્ણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે લદ્દાખે આજે જેન-ઝેડનો ક્રોધ જોયો, તેઓ કોઇનું નહીં સાંભળે, તેઓ ગોળીઓથી પણ નથી ડરતા, પાંચમી વખત અમારે ઉપવાસ પર બેસવુ પડયું છે, યુવાનો કહી રહ્યા છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોની કોઇ અસર નથી થઇ રહી, કેન્દ્ર સરકારે ભુખહડતાળના ૧૫ દિવસ બાદ વાતચીત માટે તારીખ આપી, જેને કારણે યુવાનો વધુ ભડક્યા. સરકારે યુવાનોને હિંસા પર ઉતરી આવવા મજબુર કર્યા છે. નોંધનીય છે કે લદ્દાખને ૨૦૧૯માં કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો. હવે લદ્દાખના નાગરિકો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની તેમજ બંધારણની છઠ્ઠી યાદીમાં લદ્દાખને સામેલ કરવાની માગણી કરી રહ્યા છે. સોનમ વાંગચુક આ મુદ્દે અનેક વખત ભુખહડતાળ કરી ચુક્યા છે. તેઓએ દિલ્હીમાં પણ ધરણા કર્યા હતા. હાલમાં લદ્દાખમાં તેમની સાથે યુવાનો પણ જોડાઇ રહ્યા છે અને આંદોલન હિંસક બની રહ્યું છે. લેહમાં ભાજપના કાર્યાલયને અને પોલીસના વાહનોને ટોળાએ આગને હવાલે કર્યા હતા.
લદ્દાખની હિંસા વ્યક્તિગત લાભનું કાવતરું: સરકારી સૂત્રો
સરકારી સુત્રોએ દાવો કર્યો હતો કે લદ્દાખમાં હાલ જે હિંસા ફાટી નીકળી છે તેની પાછળ વ્યક્તિગત પ્રસિદ્ધિ કે ફાયદો મેળવવાનું એક કાવતરું છે. સરકારી સુત્રોએ એક્ટિવિસ્ટ સોનમ વાંગસુક તરફ ઇશારો કર્યો હતો. અને દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર છ ઓક્ટોબરના રોજ બેઠક યોજવા જઇ રહી હતી તેને વહેલા એટલે કે ૨૫થી ૨૬ તારીખે જ યોજવાનું વિચારી રહી છે. વાતચીત ચાલી રહી છે એવામાં હિંસાથી કોને ફાયદો થશે ? સોનમ વાંગચુક અરબ સ્પ્રિંગ-સ્ટાઇલ આંદોલન ઇચ્છી રહ્યા હતા.
તેમણે નેપાળની જનરેશન ઝેડ સાથે વર્તમાન વિરોધ પ્રદર્શનને સરખાવ્યા જે તેમની બ્લૂપ્રિન્ટ હોવાનું સાબિત કરે છે. તેઓ વ્યક્તિગત લાભ માટે આ બધુ કરી રહ્યા હોવાનો દાવો સરકારી સુત્રોએ કર્યો હતો.