પરિવાર બહાર ગયો હતો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા
રોકડ અને ચાંદીના સિક્કા સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટયા
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરમાં અજીત સોસાયટીના રહેણાંક મકાનમાં 47 હજારની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરના રોકડીયા હનુમાન પાસે આવેલી અજીત સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ ઠક્કર પરિવાર સાથે બહારગામ ગયા હતા. પાછળથી બંધ મકાનના તાળુ તોડી તસ્કરો તિજોરીમાં રહેલા રોકડ રૂા.૨૭,૦૦૦, ચાંદીના સીક્કા ૧૦,૦૦૦, ઝાંઝરા રૂા.૧૦,૦૦૦ સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. બનાવની જાણ મકાન માલીકને થતાં સીટી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર આવી તપાસ હાથ ધરી નાસી છુટેલા તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવાર-નવાર ઘરફોડ તેમજ વાહન ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.