સોસાયટીના રહીશોની એડેપ્ટ ડેવલોપર્સ સામે જુલાઈમાં રજૂઆત છતાં
કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીની સૂચનાની મનપા દ્વારા અવગણના
નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ટીપી-૨માં આવેલી સોસાયટીના કોમન પ્લોટમાં એડેપ્ટ ડેવલોપર્સ બિલ્ડરો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આ મામલે રહીશોએ મહાનગરપાલિકા અને કલેક્ટર સુધી ફરિયાદ કરી હતી. ત્યારે આ મામલે મનપા કમિશનર પોતે અજાણ હોવાનું જણાવી રહ્યા છે.
મહાનગરપાલિકાના કમિશ્નર જી. એચ. સોલંકીને ટીપી ૨માં સર્વે નં.૨૪૧, ૨૪૨ અને ૨૭૧ના સીટ નંબર ૨૩વાળી જગ્યામાં રહીશોના વિરોધ છતાં બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યાના મામલે પૂછતા કમિશનરે જણાવ્યું હતું કે, આવી કોઈ બાબત મારા ધ્યાનમાં નથી. જો કે, સમગ્ર મામલે હવે પ્રશ્ન એ ઉઠે છે કે, શહેરના મુખ્ય પોશ વિસ્તાર પૈકીના સરદાર બ્રિજના છેડેથી પીપલગ તરફના મુખ્ય માર્ગની બાજુમાં ગેરકાયદે બાંધકામ મામલે મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને ૧૭/૦૭/૨૦૨૫ના રોજ ૮ મુદ્દા ટાંકી અને ૩ પાનામાં રજૂઆત કરી ન્યાય માંગ્યો છે. આ ફરિયાદ સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર અને મનપાના વહીવટદાર સમક્ષ પણ રજૂ કરાઈ છે. ઉપરાંત રહેણાંક સોસાયટીમાં કોમસયલ પ્રવૃતિ સામે કડક કાર્યવાહીના મુખ્યમંત્રીના આદેશની વિગતો પણ ટાંકી છે. બીજીતરફ બિલ્ડરો સાથે રાજકીય વ્યક્તિ પણ સંકળાયેલો હોવાના કારણે રહીશો પણ ભયભીત છે. તેવા સંજોગોમાં કમિશનરને સંબોધીને આપવામાં આવેલી ફરિયાદ અંગે કમિશનર પોતે અજાણ હોવાનું સ્પષ્ટ પણે જણાવ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જાણે બિલ્ડરોને ગેરકાયદેસર પ્રવૃતિઓ અને બાંધકામો માટે છૂટો દૌર આપ્યો હોય, તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમગ્ર મામલે સોસાયટીના રહીશો દ્વારા રાજ્ય સરકારના તમામ નીતિ-નિયમો પણ રજૂ કરાયા છે, જેનુ ઉલ્લંઘન કરી બાંધકામ શરૂ કરવામાં આવ્યુ હોવા છતાં કાર્યવાહી ન થતાં હવે અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
– મનપાએ સીએમના આદેશની ઉપરવટ જઈ રહેણાંકમાં કોમશયલ નક્શો મંજૂર કરેલો
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં મુખ્યમંત્રીના આદેશની સરેઆમ અવગણના કરીને રહેણાંક વિસ્તારમાં કોમશયલ બાંધકામને મંજૂરી આપવાનો ગંભીર વિવાદ થયો હતો. પીપલગ રોડ પર સરકારી નિયમો નેવે મૂકીને ટીપી-૨માં આવેલા સિટી સર્વે નંબર ૨૪૧, ૨૪૨, ૨૭૧ની જમીન પર ગેરકાયદેસર રીતે કોમશયલ બાંધકામનો નક્શો મંજૂર કરાયો હતો. આ પ્રોજેક્ટ મૂળ રહેણાંક માટે મંજૂર થયો હોવા છતાં તેનો ઉપયોગ કોમશયલ હેતુ માટે કરાતા જંત્રીની ચોરીનો આરોપ ઉઠયો હતો. આ ઉપરાંત, કોમન પ્લોટ ભેળવીને દુકાનો બાંધવા મંજૂરી આપી દેવાઈ હતી અને રાજ્ય ધોરી માર્ગના મધ્યબિંદુથી ૨૧ મીટરનું અંતર છોડવાના નિયમનો પણ ભંગ કરાયો હતો. ત્યારે મનપાના અધિકારીઓની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.