Vadodara News: વડોદરા નજીકના નંદેસરી ગામ પાસે રહેતા એક પરપ્રાંતિય પરિવારની 17 વર્ષની સગીર કન્યાને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન તે પાંચ મહિના અને પાંચ દિવસના ગર્ભ સાથે સગર્ભા હોવાનું બહાર આવ્યું હતું. આ જાણ થતાં જ પરિવાર અને કન્યા હોસ્પિટલમાંથી ગુમ થઈ ગયા હતા, જેથી નંદેસરી પોલીસે તપાસ શરૂ કરી છે.
સગીરાની તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાઈ
મળતી માહિતી મુજબ, નંદેસરી વિસ્તારમાં પોતાના જીજાજીના ઘરે રહેતી 17 વર્ષની જ્યોતિ (નામ બદલ્યું છે) છેલ્લા એક મહિનાથી નબળાઈના કારણે બીમાર રહેતી હતી. ગઈકાલે તેને વધુ તકલીફ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં તબીબી પરીક્ષણ દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે તે પાંચ મહિના અને પાંચ દિવસના ગર્ભ સાથે સગર્ભા છે.
પરિવાર ગુમ થતાં પોલીસને જાણ કરાઈ
આ હકીકત ડોક્ટરોએ જ્યોતિના જીજાજીને જણાવી હતી. જોકે, આ જાણકારી મળ્યા બાદ રાત્રે જ જ્યોતિ અને તેના જીજાજી સહિત પરિવારના સભ્યો હોસ્પિટલમાંથી ચુપચાપ નીકળી ગયા હતા. હોસ્પિટલના સત્તાવાળાઓએ આ અંગે તરત જ નંદેસરી પોલીસને જાણ કરી હતી.
જીજાજીના ઘરે તાળું લટકતું મળ્યું
હોસ્પિટલની જાણકારીના આધારે નંદેસરી પોલીસ તાત્કાલિક જ્યોતિના જીજાજીના ઘરે પહોંચી હતી. પરંતુ, ત્યાં ઘરને તાળું લટકતું જોવા મળ્યું હતું. સમગ્ર પરિવાર ગુમ થઈ જતાં પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી સગીરાના ગર્ભ વિશેની અને પરિવારના ગુમ થવા પાછળની સાચી હકીકત જાણી શકાય.