Vadodara Police : વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં બંધ દુકાનનું શટર તોડી દુકાનમાંથી સામાનની ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપી સહીત બે લોકોને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. બંને ચોર પાસેથી પોલીસે રિક્ષા મોબાઈલ સહિત રૂ.1.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોરવા પોલીસને સોંપવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. દરમ્યાન મળેલ માહીતી આધારે ખાસવાડી સ્મશાન રોડથી અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલ શાહરૂખખાન સલીમખાન પઠાણ તથા જાવીદખાન યુસુફખાન પઠાણ (બન્ને રહે. એકતાનગર આજવા રોડ વડોદરા)ને ઓટોરીક્ષા તથા ઓટોરીક્ષામાં અને તેઓ પાસે રાખેલ શંકાસ્પદ મોબાઈલ, રજનીગંધા, આરએમડી તુલસી પાન મસાલા પેકેટો, ફોર સ્કવેર-ફ્લેક લીબર્ટી સિગરેટ પેકેટો, ખાંડ 10 કીલો અને રોકડા રૂપિયા સાથે પકડી પાડયા હતા. આ બન્ને ઇસમો તેઓ પાસેથી મળેલ મુદ્દામાલ વધુ પુછપરછ કરતાં આ બન્ને ઇસમોએ આજથી આશરે 20-25 દીવસ પહેલા તેઓ પાસેની ઓટોરીક્ષામા ઇલોરાપાર્ક શાક માર્કેટ પાછળ જઇ બંધ દુકાનનું શટર તેઓ પાસેના વાંદરી પાના વડે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના કબાટમા પાન મસાલાના પેકેટ તથા સીગરેટના પેકેટ તથા ખાંડની બોરીની ચોરી કરી લઇ ગયા હતા. આ ચોરી કરેલ મુદ્દામાલ સંતાડી રાખેલ હોય આ મુદ્દામાલ ઓટોરીક્ષામાં રાખી તેમજ ત્રણ દિવસ પહેલા સયાજીપુરા પંડીત દીન દયાલ હોલ પાસેથી મોડી રાત્રે આરોપી જાવીદખાન મોબાઇલ ફોન ચોરી કરી લાવેલ હતો. આ ચોરી કરેલ મુદ્દામાલ વેચવા જતાં પકડાઇ ગયા હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓ પાસેથી ઓટોરિક્ષા, મોબાઈલ, સિગારેટ તેમજ ખાંડ સહિત રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બન્ને ઇસમો પાસેથી મળેલ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ આરોપીઓ દ્વારા ઇલોરાપાર્ક ખાતે બંધ દુકાનમાં કરેલ ઘરફોડ ચોરીનો અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય બંને આરોપીઓ અને મુદ્દામાલ અંગે ગોરવા પોલીસ સ્ટેશનના વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે.