Navratri 2025: ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં નવરાત્રિનો માહોલ જામી રહ્યો છે. નવરાત્રિ એટલે માતાજીના આરાધના કરવાનો પર્વ છે. આ પર્વમાં સુરતના કેટલાક મંદિરો ભક્તોમાં ચર્ચા જગાવી રહ્યાં છે. આ દિવસો દરમિયાન માતાજીના અનેક મંદિરોમાં મહિલા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કેટલાક મંદિરોમાં માતાજીની પૂજા મહિલા પૂજારી કરાવી રહ્યાં છે. તો બીજી બાજું સુરતના લંબેહનુમાન રોડ પર એવું પણ એક મંદિર છે, જ્યાં મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. માતાજીનો તહેવાર છે અને માતાજીના મંદિરમાં જ મહિલાઓને પ્રવેશ ન હોવાથી અનેક લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ અમરેલી: વીરપુર ગઢિયાના મહંત પર તલવારથી જીવલેણ હુમલો, પોલીસ નિષ્ફળતા પર સવાલો
મહિલા પૂજારી જ કરે છે પૂજા-અર્ચના
સુરતમાં નવરાત્રિની શરૂઆત સાથે જ માતાજીના મંદિરો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. માતાજીના મંદિરોમાં રોજ દર્શન અને પૂજા માટે ભક્તોનો સાગર ઉમટી પડે છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોપી તળાવ સામે બળીયા બાપજીના જૂના મઠ તરીકે ઓળખાતા મંદિરમાં હિંગળાજ માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા તેવું પૌરાણિક મંદિર છે અને અહીં હિંગળાજ માતા સાથે મહાલક્ષ્મી માતા અને નવદુર્ગા માતાની પણ પ્રતિમા છે. આ મંદિર પૌરાણિક છે અને તેની પૂજા દક્ષાબહેન નામના મહિલા પૂજારી કરે છે. આવી જ રીતે વાડી ફળિયા પોલીસ ગેટ નજીક પણ હિંગળાજ માતાનું મંદિર છે આ મંદિરમાં પૂજારી તરીકે રાગિણીબેન પૂજા કરાવે છે.
મહિલાઓ પર પ્રતિબંધ
માતાજીની આરાધનામાં સ્ત્રી શક્તિની ઉપસ્થિતિ ભક્તોમાં વિશેષ આકર્ષણ ઉભું કરે છે. ભક્તોનું કહેવું છે કે માતાજીના પર્વમાં સ્ત્રી પોતે પૂજારી બની આરાધના કરે તે સાચા અર્થમાં સ્ત્રી શક્તિને નમન છે. તો બીજી તરફ સુરતના જ લંબે હનુમાન રોડ પર આવેલા તાડ દેવી માતાજીના મંદિરે વિરોધાભાષી દ્રશ્યો જોવા મળે છે. આઝાદી સમયે આ મંદિરની સ્થાપના થઈ હતી અને તેનું સંચાલન દેવીપૂજક સમાજ દ્વારા કરવામા આવે છે. આ મંદિરની દિવાલ પર એક બોર્ડ લગાવ્યું છે. તેમાં લખ્યું છે કે, બહેનોએ મંદિરમાં દાખલ થવાની મનાઈ છે. બોર્ડ પર સ્ત્રીનો સિમ્બોલ બનાવ્યો છે અને ચોકડી મારવામા આવી છે. કેટલાક ભક્તો હતા તેઓને મંદિરમાં સ્ત્રી ને પ્રતિબંધનું કારણ પૂછ્યું તો ટૂંકો જવાબ મળ્યો કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે બસ બીજું કંઈ નથી.
આ પણ વાંચોઃ વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દૃશ્ય : દિનેશમિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણી
એક જ શહેરમાં એક તરફ સ્ત્રી પૂજારી અને બીજી તરફ સ્ત્રી પર પ્રતિબંધ. આ બંને વિરોધાભાસી દ્રશ્યો ભક્તોમાં ચર્ચા જગાવી રહ્યાં છે. અનેક લોકો માને છે કે જ્યારે નવરાત્રિ સ્ત્રી શક્તિની આરાધનાનો પર્વ છે, ત્યારે મહિલાઓને મંદિરમાંથી દૂર રાખવું યોગ્ય નથી. સુરતના મંદિરોમાં મહિલાઓ અંગે ઊભા થયેલા આ વિરોધાભાસો સમાજમાં વિચારણા જગાવે છે કે ભવિષ્યમાં સ્ત્રીશક્તિને સાચા અર્થમાં સ્થાન આપવા માટે શું બદલાવ જરૂરી છે.