અમદાવાદ,શુક્રવાર
શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવે છે. ત્યારે સિંધુ ભવન રોડ પર રાતના સમયે એક વ્યક્તિ ક્રાઇમબ્રાંચના સ્ટાફના નામે વાહનચેકિંગ કરવાનું કહીને ડરી ગયેલા વ્યક્તિઓ પાસેથી નાણાં પડાવતો હોવાની વિગતો સામે આવી છે. જો કે અમદાવાદના એક પાોલીસ કર્મીની કારને રોકીને પોતાની ઓળખ ક્રાઇમબ્રાંચના અધિકારી તરીકે આપતા અસલી પોલીસે આઇ કાર્ડ માંગતા તે ત્યાંથી છટકી ગયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી નાણાં પડાવતો વ્યક્તિએ સિંધુ ભવન અને આસપાસના વિસ્તારમાં અનેક લોકોને ટારગેટ કર્યા હતા. ત્યારે હવે નકલી પોલીસને પકડવા માટે અસલી પોલીસને સુચના આપવામાં આવી છે.
શહેરના સિંધુ ભવન,રાજપથ રંગોલી રોડ અને એસ પી રીંગ રોડ પર છેલ્લાં ઘણાં સમયથી એક વ્યક્તિ ક્રાઇમબ્રાંચના સ્ટાફની ઓળખ આપીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને ચેકિંગ કરવાના નામે તેમજ લાયસન્સ અને અન્ય કાગળો માંગીને ડરાવ્યા બાદ મોટો દંડ કે કેસમાં કરવાની ધમકી આપીને તોડબાજી કરતો હોવાની વાત સામે આવી છે. કાળા કલરના નંબર પ્લેટ વિનાના બાઇક પર આવતો યુવક તેની ઓળખ ક્રાઇમબ્રાંચના અધિકારી ગઢવી તરીકે ઓળખ આપે છે. જેના કારણે લોકો ડરી જઇને કેસ થવાની કે વાહન જપ્ત થવાના ડરથી નાણાં આપી દેતા હોવાથી તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી અનેકને લૂંટયા છે. ખાસ કરીને તે યુવક અને યુવતીઓને ખાસ ટારગેટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા એક વ્યક્તિ તેના પરિવાર સાથે કારમાં સિંધુ ભવન રોડ પર ગયા હતા. ત્યારે આ નકલી પોલીસે કારને રોકાવીને કાગળો માંગ્યા હતા. પરંતુ,એક જ પોલીસ કર્મી વાહનચેકિંગ કરતો હોવાથી શંકા જતા અસલી પોલીસે પુછપરછ કરીને આઇડી માંગતા તે વાહનમાં મુક્યુ છે. તેમ કહીને ત્યાંથી નાસી ગયો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ નકલી પોલીસની માહિતી મળી છે. જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ, પોલીસ પાસે હાલ કોઇ ફરિયાદી આવ્યા ન હોવાથી ચોક્કસ કડી મળી નથી.










