Amreli Rain: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે મુખ્ય જળસ્ત્રોતોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે આજે ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં તેના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સૌથી મોટી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત ઠેબી અને સુરવો ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે.
ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદીમાં ઘોડાપૂર
મળતી માહિતી અનુસાર, ભારે વરસાદના કારણે ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં તેના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ખોડિયાર ડેમનું પાણી છોડાતા ધારીથી પાલીતાણા સુધીના લાંબા પ્રવાહવાળી શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ઠેબી અને સુરવો ડેમમાં પણ પાણીની આવક વધી છે, જેના પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પાણી છોડવામાં આવ્યું હતું.
ધોધમાર વરસાદથી ઠેબી ડેમમાં 556 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમનો 1 દરવાજો 1 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. આને કારણે અમરેલી, ફતેપુર અને ચાંપાથળ ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વડિયા પંથકમાં દોઢેક ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે વડિયાનો સુરવો ડેમ પણ છલકાયો છે. સુરવો ડેમનો પણ 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ
તંત્ર દ્વારા ત્રણેય ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નદીના નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં અને નદી વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે લોકોને અપીલ કરી છે.