Chhattisgarh News: છત્તીસગઢના રાયપુરમાં મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટના સ્ટીલ પ્લાનમાં બની છે, જેમાં અત્યાર સુધીમાં 6 શ્રમિકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના સિલતરા વિસ્તારમાં આવેલા ગોદાવરી ઇસ્પાત લિમિટેડ સ્ટીલ પ્લાન્ટમાં બની હતી. ત્યાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે એક માળખું તૂટી પડતાં છ લોકો કચડાઈ ગયા હતા, અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં રાયપુરના વરિષ્ઠ અધિકારીઓ પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને પંડરી ખાતે જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટના દરમિયાન ભારે મશીનરીનો ટુકડો ફેક્ટરીની અંદર પડ્યો હતો, જેના કારણે અનેક કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનામાં છ શ્રમિકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. જોકે, મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.