Narmada News: ‘એક પાણીના ગ્લાસના કારણે મારે 80 દિવસ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે.’ આ શબ્દો છે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના, જે આજે અઢી મહિના બાદ પ્રથમવાર સરકારી બેઠકમાં હાજર રહ્યા હતા. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલી ‘ગુજરાત પેટર્ન’ની બેઠકમાં હાજર રહેતા પહેલા તેમણે મીડિયા સાથે વાત કરી હતી.
ચૈતર વસાવાએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે, તેઓ આ બેઠકમાં ત્યારે જ બેસશે જ્યારે મિટિંગ હોલમાં CCTV કેમેરા ચાલુ હોય અથવા તો લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે આ માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. અગાઉ, ATVT(અમારો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો)ની મિટિંગમાં CCTV ન હોવાના કારણે થયેલા વિવાદમાં તેમને જેલમાં જવું પડ્યું હતું, તેવું તેમણે સ્વીકાર્યું હતું. આ ઘટના બાદ ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે’ એ ન્યાયે, તેમણે અત્યારથી જ સાવચેતી રાખવાનું નક્કી કર્યું છે.
વસાવાએ તો ત્યાં સુધી કહ્યું કે, મિટિંગ હોલમાં સંબંધિત અધિકારીઓએ કાચના ગ્લાસ કે પાણીની બોટલ પણ ન મૂકવી. આખરે, કલેક્ટરે સરકારી કેમેરામેનની હાજરીની ખાતરી આપતા, ધારાસભ્ય બેઠકમાં બેઠા હતા. આ ઘટનાએ ફરી એકવાર વહીવટી તંત્ર સામે કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે.