મુંબઈ : અમેરિકામાં ભારતીય માલસામાનની આયાત પર ૨૭ ટકા ટેરિફ લાગુ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવાની ઉદ્યોગો દ્વારા મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક હોવાથી નવા ટેરિફની તેના પર સામાન્ય અસર જોવા મળશે.
વિશ્વભરના દેશો પર ટેરિફના વિવિધ સ્લેબ લાગુ થવાને કારણે વૈશ્વિક વેપારના સમીકરણોમાં તથા ઉત્પાદન ક્ષેત્રની મૂલ્ય સાંકળમાં બદલાવ આવવાની દેશના ઉદ્યોગો ધારણાં મૂકી રહ્યા છે.
ભારતની મજબૂત ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અમેરિકાની ટેરિફની અસરને સમતુલિત કરશે અને દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) પર ટૂંકા ગાળે માત્ર ૦.૧૦ ટકા અસર જોવા મળશે એમ પીએચડીસીસીઆઈના પ્રમુખ હેમંત જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું.
જો કે મધ્યમ ગાળે, ટેરિફની સંપૂર્ણ અસર લાગુ થયા બાદ, આ તૂટ ઘટી જવાની શકયતા છે.
ભારતના માલસામાન પર ૨૭ ટકા ટેરિફને જોતા આપણે ટેરિફ દરોમાં મધ્યમ સ્થાને છીએ. આ ટેરિફની અસરની આકારણી કરવાની રહેશે એમ એસોચેમના પ્રમુખ સંજય નાયરે એક નિવેદનમાં જણાવ્યું હતું.
એકંદરે અમેરિકામાં ભારતની નિકાસ સ્પર્ધા પર મોટી અસર જોવા નહીં મળે, આમ છતાં દેશના ઉદ્યોગોએ ટેરિફની અસરને હળવી કરવા નિકાસ ક્ષમતા તથા વેલ્યુ એડિશન કરવા માટે સતત પ્રયાસો કરવાના રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ભૂતપૂર્વ ચેરમેન વિવેક જોહરીએ એક મીડિયા મુલાકાતમાં જણાવ્યું હતું કે જો ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વેપાર કરાર થશે તો તેવી સ્થિતિમાં રેસિપ્રોકલ ટેરિફ કદાચ પાછા ખેંચાઈ જવાની શકયતા રહેલી છે.