Family Pension Rules: કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શન નિયમોમાં સુધારા કર્યા છે. આ સુધારાઓ ખાસ કરીને વિધવા તથા ડિવોર્સી મહિલાઓના આર્થિક સશક્તિકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ ફેમિલી પેન્શનમાં નડતી કોઈપણ કાયદાકીય અડચણો વિના ત્યક્તા (ડિવોર્સી મહિલા), વિધવા કે એકલી રહેતી મહિલા પોતાના મૃતક પિતાના પેન્શન માટે દાવો કરી શકશે.
મૃતક પિતાના પેન્શન માટે સીધો દાવો
કેન્દ્ર સરકારે પેન્શનમાં સુધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓને આર્થિક રૂપે સશક્ત બનાવવા તેમજ પેન્શન સંબંધિત બિનજરૂરી કાયદાકીય અડચણોને દૂર કરવા પેન્શન નિયમોમાં સુધારો કર્યો છે. હવે ડિવોર્સી મહિલા કે પછી એકલી રહેતી દિકરી પોતાના મૃતક પિતાના પેન્શન માટે સીધો દાવો કરી શકે છે. જેથી મહિલાઓએ હવે કોઈપણ કાયદાકીય નિર્ણય માટે રાહ જોવી પડશે નહીં. મહિલા પેન્શનર્સ પોતાના પતિ ઉપરાંત બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિની બનાવી શકે છે.
પેન્શન નિયમોમાં મોટા ફેરફાર
છૂટાછેડા લઈ અલગ રહેતી મહિલાઃ જે મહિલાએ છૂટાછેડા લીધેલા હોય અથવા તો એકલી રહેતી મહિલાઓ પોતાના પિતાના મૃત્યુ બાદ પેન્શન માટે દાવો કરી શકે છે. છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય તો પણ તે પેન્શન માટે દાવો કરી શકશે. તેમજ પેન્શનનો લાભ મળશે.
આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી
બાળકોને નોમિની બનાવી શકાશે: જો કોઈ મહિલા પેન્શનર્સ પોતાના પતિ પાસેથી છૂટાછેડા લઈ રહી હોય અથવા તો ઘરેલુ હિંસા કે દહેજ ઉત્પીડનનો સામનો કર્યો હોય તો તે પોતાના બાળકોને ફેમિલી પેન્શનના પ્રાથમિક દાવેદાર અર્થાત નોમિની બનાવી શકે છે.
વિધવાઓને રાહતઃ જો કોઈ વિધવા ફરી લગ્ન કરવા માગતી હોય તો પણ તેને પૂર્વ પતિનું પેન્શન મળતુ રહેશે. પરંતુ તેમાં તેની આવક લઘુત્તમ પેન્શન મર્યાદા કરતાં ઓછી હોવી જરૂરી છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવશે
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ સુધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓને મજબૂત બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે. જેથી મહિલાઓને તેમના હકનું પેન્શન મેળવવા માટે કોઈ સંઘર્ષ કરવો પડે નહીં. આર્થિક સંકડામણનો મુદ્દો ઉકેલાય. પેન્શન સુરક્ષા ઉપરાંત સરકારે સરકારી મહિલા કર્મચારીઓ માટે પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. જે મહિલાઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની સાથે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બનશે.
સરકારી મહિલા કર્મચારીને મળશે આ લાભ
ચાઈલ્ડ કેર લીવઃ સિંગલ મધર બે વર્ષ સુધી તબક્કાવાર રજા લઈ શકે છે. જેમાં બાળકો સાથે વિદેશ યાત્રાની મંજૂરી સામેલ છે.
અન્ય લાભઃ ગર્ભપાત તથા સ્ટિલબર્થના કિસ્સામાં પેમેન્ટ સહિત રજાઓનો લાભ મળશે.
ઓફિસમાં સહયોગઃ સરકારી કાર્યાલયોમાં મહિલા કર્મચારીઓ માટે હોસ્ટેલ, બાળ સંભાળ કેન્દ્રની સંખ્યામાં વધારો તેમજ સ્વસહાય જૂથની મહિલાઓને માર્કેટ સુધી પહોંચાડવાની તકો પૂરી પાડવામાં આવશે.