– પીએમ મોદીની જયશંકર, ડોભાલ, આર્મી ચીફ સાથે એક જ દિવસમાં બે બેઠક
– પાકિસ્તાનનો એલઓસી પર સતત સાત દિવસથી ગોળીબાર, હવે આંતરરાષ્ટ્રીય સરહદે પણ ભારતીય ચોકીઓને નિશાન બનાવી
નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પછી હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ભારતીય ફ્રન્ટ પર પાકિસ્તાને ગોળીબાર શરૂ કરી દીધો છે. આ સાથે પાકિસ્તાને સરહદ પર ટેન્કો અને તોપખાના ગોઠવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન સતત છ દિવસથી એલઓસી પર ગોળીબાર કરી રહ્યું છે. ભારતીય સૈન્યે પાકિસ્તાન સૈન્યને હોટલાઈન પર આ અંગે ચેતવણી આપી છે. આ ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિદેશ મંત્રી જયશંકર, એનએસએ અજિત ડોભાલ અને આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે એક જ દિવસમાં બે વખત બેઠકો કરી હતી.
પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની સંભાવનાઓ વચ્ચે ભારતીય સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૭ લોક કલ્યાણ માર્ગ પર તેમના આવાસે મુલાકાત કરી હતી. બુધવારે સાંજે યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ પહેલાં વડાપ્રધાને જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વિદેશ મંત્રી અને એનએસએ ડોભાલ સાથે સવારે પણ એક બેઠક કરી હતી. વડા પ્રધાન મોદીએ મંગળવારે પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી તથા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ સાથે બેઠક કરી હતી.
દરમિયાન પહલગામમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે તેવા સમયે પણ પાકિસ્તાન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પર સતત છ દિવસથી ગોળીબાર કરી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ હવે પાકિસ્તાને એલઓસીથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર શરૂ કર્યો છે. ભારતીય સૈન્ય એક તરફ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
પહલગામમાં હિન્દુઓના નરસંહાર પછી ભારત સરકારે ઉઠાવેલા કૂટનીતિક પગલાંથી હતાશ પાકિસ્તાને ગયા સપ્તાહથી જ એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કરતા નાના હથિયારોથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. અત્યાર સુધી પાકિસ્તાન માત્ર પૂંચ, બારામુલા, કુપવારા અને બાંદીપોરમાં એલઓસી પર જ ગોળીબાર કરતું હતું, પરંતુ હવે તેણે રાજૌરી, કાશ્મીર ખીણ અને જમ્મુ નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો છે.
પાકિસ્તાનની સેના આખો દિવસ શાંત રહે છે અને રાત પડતા જ અનેક ફ્રન્ટ ચોકીઓ પર ગોળીબાર શરૂ કરી દે છે. આ સાથે પાકિસ્તાની સેનાએ તેની અનેક ફ્રન્ટ ચોકીઓ પરથી તેના ઝંડા હટાવી દીધા છે અને ફ્રન્ટ મોરચા પર ટેન્કો ગોઠવવા માંડી છે.
સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે, ભારતના સૈન્ય ઓપરેશનના ડિરેક્ટર જનરલે બુધવારે પાકિસ્તાનના સૈન્ય ઓપરેશન પ્રમુખ સાથે હોટલાઈન પર વાતચીત કરી હતી. તેમણે પાકિસ્તાન દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના કરાતા ગોળીબાર અંગે તેમને ચેતવણી આપી હતી. પાકિસ્તાનના ગોળાબરની પેટર્નના આધારે ભારતીય સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે પાકિસ્તાની સૈન્ય ગોળીબાર કરીને તણાવ વધારવા માગે છે અને ગોળીબારની આડમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની સુરક્ષિત ઘૂસણખોરી નિશ્ચિત કરવા માગે છે. પાકિસ્તાનના આ પગલાંઓથી ભારતીય સૈન્ય એલર્ટ પર છે. ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જ નહીં તેની આજુબાજુના વિસ્તારોમાં પણ સુરક્ષા દળોએ નિયમિત સર્ચ ઓપરેશન શરૂ કરી દીધા છે.